Russia-Ukraine War: યુક્રેને ડ્રોન હુમલામાં રશિયાના દક્ષિણ એડિગેયા ક્ષેત્રમાં લશ્કરી એરબેઝને નિશાન બનાવ્યું હતું. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી. જ્યારે યુક્રેનની સેનાએ દાવો કર્યો હતો કે એરબેઝમાં આવેલા વેપન્સના એક ડેપોને નિશાન બનાવવામાં આવ્યો હતો.
યુક્રેનિયન સૈન્યએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડેપોમાં આગ ફાટી નીકળી હતી. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલા સમયે ખાનસ્કાયા એરબેઝ પર સુખોઈ-34, સુખોઈ-35 અને એમઆઈ-8 સહિત 57 ફાઈટર પ્લેન અને હેલિકોપ્ટર હતા.
એક ગામ ખાલી કરાવવું પડ્યું
જ્યારે રશિયન મીડિયાના જણાવ્યા અનુસાર, એડિગેયા ક્ષેત્રના ખાનસ્કયા એરબેઝની નજીક અમેરિકા દ્ધારા નિર્મિત લાંબા અંતરના એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. પ્રાદેશિક વડા મૂરાત કુંપિલોવે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે ડ્રોન હુમલાના કારણે તે વિસ્તારમાં આગ લાગી હતી. એક ગામ ખાલી કરાવવું પડ્યું.
રાત્રે 62 ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો
જ્યારે RIA ન્યૂઝ એજન્સીએ રશિયન રક્ષા મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે એડિગેયા સહિત સરહદી ક્યૂબન ક્ષેત્રમાં ગઈકાલે રાત્રે 47 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. અહીં રશિયાએ યુક્રેનના ઘણા વિસ્તારોમાં ડ્રોનથી હુમલો કર્યો હતો. યુક્રેનની વાયુસેનાએ દાવો કર્યો હતો કે ગઈકાલે રાત્રે 62 ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાંથી 41ના મોત થયા હતા. હુમલામાં યુક્રેનના ઓડેસા, પોલ્ટાવા અને ડોનેટ્સક પ્રદેશોમાં નાગરિકો અને મહત્વપૂર્ણ માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઝેલેન્સકી બ્રિટિશ અને નાટો નેતાઓને મળ્યા
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર અને નાટો નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં રશિયા સામેના યુદ્ધ માટે ઝેલેન્સકીની વિજય યોજના અને યુક્રેનની જરૂરિયાતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક લંડનમાં બ્રિટિશ પીએમના નિવાસસ્થાને થઈ હતી.
નાટોના વડા માર્ક રુટે જણાવ્યું હતું કે આ ગઠબંધન આવતા અઠવાડિયે મોટા પાયે પરમાણુ અભ્યાસ હાથ ધરશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે થોડા અઠવાડિયા પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પરમાણુ સિદ્ધાંતમાં ફેરફારની વાત કરી હતી.
આના એક અઠવાડિયા પહેલા યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં રશિયાને ભારે નુકસાન થયું હતું. યુક્રેનની સેનાએ ક્રિમિયા અને રશિયા પર હુમલો કરવા માટે 100થી વધુ ડ્રોન છોડ્યા હતા. આમાંના મોટાભાગના રશિયન એર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા આકાશમાં તોડી પાડવામાં આવ્યા હતા પરંતુ કેટલાક ડઝન બચી ગયા હતા. આમાંથી કેટલાક ડ્રોને રશિયન શસ્ત્રાગારને નિશાન બનાવ્યા હતા.