India Pakistan cricket 2025: એશિયા કપમાં ભારત સામેની હાર બાદ પાકિસ્તાની જનતાની પ્રતિક્રિયાઓનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં આબિદ અલી નામના એક વ્યક્તિએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ભગવાનનો આભાર, મેચ દરમિયાન સ્ટેડિયમમાં કેમેરા હાજર હતા, નહીં તો પાકિસ્તાન આ હાર સ્વીકારવાનો પણ ઇનકાર કરી દેત. તેણે આ વાતનો સીધો સંબંધ 'ઓપરેશન સિંદૂર' સાથે જોડ્યો, જેમાં પાકિસ્તાને હાર સ્વીકારી ન હતી, તેમ છતાં આખી દુનિયા તે હકીકત જાણે છે. આબિદ અલીએ ક્રિકેટને રાજકારણથી દૂર રાખવાની પણ અપીલ કરી.
પાકિસ્તાની નાગરિકનો સણસણતો કટાક્ષ
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ માત્ર એક રમત નથી, પરંતુ તે બંને દેશોની ભાવનાઓ સાથે જોડાયેલી છે. તાજેતરમાં ભારત સામે પાકિસ્તાનની હાર બાદ, યુટ્યુબર શોએબ ચૌધરીએ પાકિસ્તાની જનતાની પ્રતિક્રિયા લીધી હતી. આ દરમિયાન આબિદ અલી નામના એક વ્યક્તિએ કહ્યું કે સ્ટેડિયમમાં કેમેરા હતા તે ખૂબ સારી વાત છે, જો કેમેરા અને પ્રેક્ષકો ન હોત તો પાકિસ્તાન આ હાર સ્વીકારવાનો પણ ઇનકાર કરી દેત. આ કહીને તેમણે પાકિસ્તાનની રાજકીય અને સૈન્ય હાર ન સ્વીકારવાની માનસિકતા પર કટાક્ષ કર્યો.
ઓપરેશન સિંદૂર અને ક્રિકેટનો સંબંધ
આબિદ અલીએ પોતાના નિવેદનમાં 'ઓપરેશન સિંદૂર' નું ઉદાહરણ આપતા કહ્યું કે, જે રીતે આખી દુનિયા જાણે છે કે ભારતે 'ઓપરેશન સિંદૂર' માં પાકિસ્તાનને સજ્જડ હાર આપી, અને ભારતીય સેનાએ પુરાવા પણ રજૂ કર્યા, તેમ છતાં પાકિસ્તાને ક્યારેય હાર સ્વીકારી નથી. તેણે કહ્યું કે જો મેચમાં પણ કેમેરા ન હોત, તો સરકાર મેચ હાર્યાનો પણ ઇનકાર કરી દેત. તેણે ભારતીય કેપ્ટન દ્વારા પહલગામના લોકોને વિજય સમર્પિત કરવાના પગલાની પ્રશંસા કરી અને કહ્યું કે બીજાને દોષ આપવાને બદલે પાકિસ્તાને પણ વિજય માટેની ક્ષમતા વિકસાવવી જોઈએ.
ક્રિકેટ અને રાજકારણ પર આબિદ અલીનો સંદેશ
આબિદ અલીએ ખેલાડીઓ દ્વારા હાથ ન મિલાવવાની ચર્ચા પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે, "જ્યારે હૃદય જ ન મળે, તો હાથ મિલાવવાનો શું ફાયદો?" આ વાત દર્શાવે છે કે બંને દેશો વચ્ચે રાજકીય તણાવની અસર ક્રિકેટ મેદાન પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપમાં ભારતે આ એકતરફી મેચમાં 7 વિકેટથી જીત મેળવીને સુપર-4 માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.