strait of hormuz closure: અમેરિકા અને ઈઝરાયેલ પર યુદ્ધવિરામ તોડવાનો આરોપ લગાવીને ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) બંધ કરવાની ચેતવણી આપી છે. આ માર્ગ દુનિયાના સૌથી મહત્વના ઉર્જા સપ્લાય રૂટમાંથી એક છે. જો આ માર્ગ બંધ થશે તો વૈશ્વિક સ્તરે ઉર્જાની કટોકટી સર્જાશે, જેની સીધી અસર ભારતના પેટ્રોલ, ડીઝલ અને LPG ગેસના ભાવ પર જોવા મળશે. આંતરરાષ્ટ્રીય બજાર ખોરવાતા પેટ્રોલનો ભાવ 150 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત, હાલમાં આ વિવાદના કારણે 550થી વધુ કોમર્શિયલ જહાજો દરિયામાં ફસાયેલા છે, જેમાં ભારતના પણ 23 જહાજો સામેલ છે.
ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ આટલો મહત્વનો કેમ છે?
ભારત પોતાની પેટ્રોલિયમ અને ગેસની જરૂરિયાતો પૂરી કરવા માટે મોટાભાગે ગલ્ફ દેશો પર નિર્ભર છે અને આ બધો માલ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જ પસાર થાય છે. આંકડાની વાત કરીએ તો, ભારતનું 40% ક્રૂડ ઓઇલ, 60% LNG અને લગભગ 90% LPG આ જ રસ્તેથી આવે છે. એટલે જો આ રસ્તો લાંબા સમય સુધી બંધ રહે તો ભારતમાં સપ્લાયની ભારે અછત ઊભી થઈ શકે છે અને માલ લાવવાનો ખર્ચ પણ આસમાને પહોંચી શકે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળશે
આ નવા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.
જો ક્રૂડના ભાવમાં 10% થી 20% જેટલો વધારો થાય અને તે લાંબા સમય સુધી ઊંચા જ રહે, તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ લાગી શકે છે.
અમુક માર્કેટ એક્સપર્ટ્સના અંદાજ મુજબ, જો આ કટોકટી લાંબી ચાલી અને ગ્લોબલ લેવલે તેલનો સપ્લાય ખોરવાયો, તો ભારતમાં પેટ્રોલ 150 રૂપિયા પ્રતિ લિટર સુધી પણ પહોંચી શકે છે. ડીઝલના ભાવમાં પણ આવું જ દબાણ જોવા મળશે.
આ પણ વાંચોઃ ક્રૂડ ઓઈલ 20% સસ્તું થયું: ભારતમાં પેટ્રોલ-ડીઝલ કઈ તારીખથી સસ્તા થશે?
LPG સિલિન્ડરના ભાવ પર લટકતી તલવાર
આ વિવાદથી સામાન્ય માણસના ઘરનું બજેટ પણ બગડી શકે છે. કારણ કે, ભારતનો 90% LPG સપ્લાય ગલ્ફના દેશોમાંથી જ આવે છે. દરિયાઈ રસ્તામાં પડતી કોઈપણ મુશ્કેલી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધારી દે છે. પરિણામે, ઘરગથ્થુ રાંધણ ગેસ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો થવાની ભીતિ છે.
દરિયામાં ફસાયા છે આટલા જહાજો
શિપિંગ ટ્રેકિંગ એજન્સીઓ અને દરિયાઈ ઉદ્યોગના રિપોર્ટ મુજબ, સુરક્ષાના ખતરા અને અનિશ્ચિતતાના કારણે હાલમાં હોર્મુઝ સ્ટ્રેટની બંને બાજુએ 550 કરતાં વધુ કોમર્શિયલ જહાજો, કાર્ગો શિપ અને ઓઇલ ટેન્કરો અટવાઈ પડ્યા છે. આ આંકડાઓમાં ભારત માટે ચિંતાજનક વાત એ છે કે, આ ફસાયેલા જહાજોમાંથી 23 થી વધુ જહાજો ભારતના છે, જે આ તણાવગ્રસ્ત વિસ્તારમાં ફસાયા છે.
આ પણ વાંચોઃ પેટ્રોલ અને ઇથેનોલ બંનેથી ચાલશે દેશની પહેલી ફ્લેક્સ ફ્યુઅલ વેગનઆર, જાણો કિંમત અને ફીચર્સ
