Titanic Submarine: વર્ષ 1912માં દરિયાના પેટાળમાં જળસમાધિ લેનારા જહાજ ટાઇટેનિકના કાટમાળને જોવા ગયેલી અને સમુદ્રના પાણીમાં ગુમ થયેલી સબમરીનને લઈને હવે દુનિયાના જીવ તાળવે ચોંટ્યા છે. આ સબમરિનમાં હવે માત્ર 2 જ કલાક ચાલે તેટલું ઓક્સીજન બચ્યો અને હજી સુધી તેની કોઈ જ ભાળ મળી નથી. સબમરીનને શોધી કાઢવા અભિયાન વધુ ઝડપી બનાવવામાં આવ્યું છે પરંતુ સ્થિતિ જોતા વિવિધ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ગુમ થયેલી સબમરીનને સમય પહેલા શોધવી હવે ખૂબ જ મુશ્કેલ છે. સબમરીનમાં સવાર તમામ પાંચ લોકોના જીવ જોખમમાં મુકાયા છે.


યુએસ કોસ્ટ ગાર્ડનો અંદાજ છે કે, ગુમ થયેલ સબમરિનમાં ઓક્સિજનનો પુરવઠો ગુરુવારે યુકેના સમય મુજબ બપોરે 12.08 વાગ્યે સમાપ્ત થઈ જશે. એટલે કે ભારતીય સમય મુજબ આજે (ગુરુવારે) સાંજે 4.08 કલાકે ઓક્સિજન સમાપ્ત થઈ જશે. આ સ્થિતિમાં તેમાં સવાર બ્રિટિશ અબજોપતિ હામિશ હાર્ડિંગ, પાકિસ્તાની બિઝનેસમેન શહજાદા દાઉદ સહિત પાંચના જીવનનો અંત આવે તેવી શક્યતા છે.


ટાઇટનના ઓપરેટર ઓસએનગેટ અનુસાર, સબમર્સિબલ ટાઇટનને કટોકટીની સ્થિતિમાં 96 કલાક સુધી ઓક્સિજન સપ્લાય કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં 90 કલાકથી વધુ સમય વીતી ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ સબમરીન રવિવારે ટાઈટેનિકના કાટમાળ તરફ જતી વખતે ગુમ થઈ ગઈ હતી. ત્યારથી તેની શોધ ચાલુ છે. જોકે હજુ સુધી સફળતા મળી નથી.


અવાજો સાંભળ્યા તેમ છતાંયે ભાળ ના મળી


ઉલ્લેખનીય છે કે, યુએસ કોસ્ટ ગાર્ડ, કેનેડિયન મિલિટરી એરક્રાફ્ટ, ફ્રેંચ શિપ અને ટેલીગાઈડેડ રોબોટ્સ જેવી સંસ્થાઓ આ સબમરીનને શોધી રહી છે. યુએસ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, સબમરીન પર સવાર લોકો પાસે માત્ર થોડા કલાકો જ ઓક્સિજન બચ્યો છે, જેના કારણે બચાવકર્તા ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. આ પહેલા સબમરીન વિશે એવા સમાચાર આવ્યા હતા કે,  ઊંડા પાણીની અંદરથી અવાજો સંભળાઈ રહ્યા છે. જો કે આ અવાજો સંભળાયા છતાંયે સબમરિનનો કોઈ સુરાગ મળ્યો નથી.


ખોરાક અને પાણી પણ મર્યાદિત


સબમરીન 6.7 મીટર લાંબી, 2.8 મીટર પહોળી અને 2.5 મીટર ઊંચી છે. તેમાં 96 કલાક ઓક્સિજન હોય છે. સબમરીનમાં બેસવા માટે કોઈ સીટ નથી, લોકો જમીન પર બેસીને મુસાફરી કરે છે. ઓશનગેટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુમ થયેલી સબમરીનમાં સવાર લોકો પાસે મર્યાદિત માત્રામાં ખોરાક અને પાણી હતું. આવી સ્થિતિમાં તેમના બચવાની આશા વધુ ધૂંધળી બની રહી છે.