Sudan Fighters : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આજે સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષને લઈને ચેતવણી આપી છે. ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે, લડવૈયાઓએ એક કેન્દ્રીય જાહેર પ્રયોગશાળા પર કબજો કરી લીધો છે જેમાં પોલિયો અને ઓરી સહિતના ગંભીર રોગોના નમૂનાઓ રાખવામાં આવ્યા હતા. સંગઠનનું કહેવું છે કે, આનાથી 'અત્યંત, અત્યંત ખતરનાક' સ્થિતિ સર્જાઈ છે. WHOના તાજેતરના ડેટા અનુસાર, સુદાનની સેના અને રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) અર્ધલશ્કરી દળો વચ્ચે 15 એપ્રિલના રોજ લડાઈ શરૂ થઈ હતી. તેમાં ઓછામાં ઓછા 459 લોકોના મોત થયા છે અને 4072 લોકો ઘાયલ થયા છે.


સુદાનમાં WHOના પ્રતિનિધિ, નીમા સઈદ આબિદે જિનીવામાં એક વીડિયો લિંક દ્વારા પત્રકારોને જણાવ્યું હતું કે, લડાઈ જૂથ દ્વારા કેન્દ્રીય જાહેર આરોગ્ય પ્રયોગશાળાનો કબજો એક વિશાળ જૈવિક જોખમ ઊભું કરે છે. તેમણે કહ્યું હતું કે, ટેકનિશિયન સામગ્રીને સુરક્ષિત કરવા માટે લેબ સુધી પહોંચવામાં સક્ષમ નથી. સઈદ આબિદે કહ્યું હતું કે, આ ગંભીર ચિંતાની બાબત છે, ટેકનિશિયન લેબમાં જઈને જૈવિક સામગ્રીને સુરક્ષિત કરવામાં અસમર્થ છે.' કયા પક્ષે લેબ પર કબજો જમાવી લીધો છે તે બાબતની હજી સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી. 


લોકો નાઇલનું પાણી પીવા મજબૂર


સુદાનના સંઘર્ષે હોસ્પિટલો અને અન્ય આવશ્યક સેવાઓને લકવાગ્રસ્ત કરી દીધી છે. ખોરાક અને પાણીનો પુરવઠો ઝડપથી ઘટવાથી ઘણા લોકો તેમના ઘરોમાં ફસાયેલા છે. હિંસા શરૂ થઈ ત્યારથી યુદ્ધગ્રસ્ત રાજધાની ખાર્તુમના રહેવાસીઓને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. ખોરાક અને પાણીનો પુરવઠો ખોરવાયો છે. બોમ્બ ધડાકાથી પાણીની પાઈપલાઈન જેવી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અસર થઈ છે. કેટલાક લોકો નાઇલ નદીનું પાણી પીવા માટે મજબૂર બન્યા છે.


ત્રણ દિવસના યુદ્ધવિરામ પર સંમત થયા


સુદાનમાં લડતા પક્ષો ત્રણ દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયા છે, કારણ કે ઘણા દેશો હિંસાગ્રસ્ત ઉત્તર આફ્રિકાના દેશમાંથી તેમના નાગરિકોને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને મંગળવારે સવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તીવ્ર વાટાઘાટો બાદ, સુદાનીસ આર્મ્ડ ફોર્સિસ (SAF) અને રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) 24 એપ્રિલની મધ્યરાત્રિથી શરૂ થતા 72 કલાકના દેશવ્યાપી યુદ્ધવિરામનો અમલ કરવાને લઈને સંમત થયા છે. યુએન એજન્સીઓ અનુસાર, યુદ્ધવિરામના અગાઉના પ્રયાસો નિષ્ફળ ગયા છે.