કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની કબજા બાદ આગામી સરકાર રચવાને લઇને તાલિબાની નેતા અનસ હક્કાનીએ આજે કાબુલમાં પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇ, હાઇ પીસ કાઉન્સિલના ચેરમેન ડો અબ્દુલ્લા અને પૂર્વ મુઝાહિદ્દીન નેતા ગુલબદ્દીન હેકમતિયાર સાથે બેઠક કરી હતી. નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં કાબુલ પર તાલિબાનના કબજા વચ્ચે રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. હવે મુલ્લા અબ્દુલ ગની બરાદર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ બની શકે છે. બરાદર તાલિબાનના રાજકીય વિંગના વડા છે.
નોંધનીય છે કે 3 દિવસ અગાઉ એબીપી ન્યૂઝે અહેવાલ બતાવ્યા હતા કે અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનાવવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇ, હાઇ પીસ કાઉન્સિલના ચેરમેન ડો અબ્દુલ્લા અને પૂર્વ મુઝાહિદ્દીન નેતા ગુલબદ્દીન હેકમતિયાર કાબુલ પહોંચી રહ્યા છે અને તાલિબાની નેતાઓ સાથે વાતચીત કરશે. ગઇકાલે સમાચાર આવ્યા કે તાલિબાની નેતા હાલમાં કાબુલ આવી રહ્યા નથી અને ગુલબદીન હેકમતિયારે જાહેરાત કરી હતી કે ત્રણેય નેતાઓ દોહા જઇને તાલિબાની નેતૃત્વ સાથે મુલાકાત કરશે પરંતુ યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો અને તાલિબાની નેતા મુલ્લા બરાદર અફઘાનિસ્તાન પહોંચ્યા અને તેમણે અનસ હક્કાનીના આ ત્રણેય નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
અફઘાનિસ્તાન સરકારના સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે, આ ત્રણેય નેતાઓ તાલિબાની નેતૃત્વને સમજાવશે કે અફઘાનિસ્તાનમાં તમામ પક્ષોને સાથે લઇને વ્યાપક સરકાર બનાવવી જોઇએ. જેનાથી તાલિબાની નેતૃત્વ ધરાવતી સરકારને ઇન્ટરનેશનલ માન્યતા પણ મળી શકે. તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે મંગળવારે કહ્યું હતું કે, અમે એવી સરકાર ઇચ્છીએ છીએ જેમાં તમામ પક્ષ સામેલ હોય.
અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનના કબજા બાદ હજારો લોકો દેશ છોડીને ભાગવામાં લાગ્યા છે. તેઓને 20 વર્ષ અગાઉના તાલિબાનના આતંકનો ડર છે. જોકે, તાલિબાનનું કહેવું છે કે મહિલાઓને ઇસ્લામી કાયદાઓ હેઠળ અધિકાર આપવામાં આવશે. તાલિબાની પ્રવક્તાએ કહ્યું હતું કે અમે અમારા દુશ્મનોને નિશાન બનાવીશું નહી.