ધડ કાટમાળમાં ફસાયું, માત્ર માથું જ દેખાતું હતું... બેંગકોકના ભૂકંપનો આ વીડિયો જોઈને કંપારી છૂટી જશે
થાઇલેન્ડ-મ્યાનમારમાં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ, બેંગકોકમાં ઇમારતો ધરાશાયી, ભારતમાં પણ આંચકા અનુભવાયા.

Thailand earthquake news: થાઇલેન્ડ અને મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી સર્જી છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ નીચે ફસાયેલા એક કામદારનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે મદદ માટે વિનંતી કરતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે જોનારાઓના હૃદયને હચમચાવી દીધા છે.
શુક્રવારે (૨૮ માર્ચ ૨૦૨૫) મ્યાનમાર અને થાઇલેન્ડમાં ૭.૭ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા ચીન અને ભારતના કેટલાક ભાગોમાં પણ અનુભવાયા હતા. આ ભૂકંપના કારણે બંને દેશોમાં ભારે તબાહી સર્જાઈ છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, જ્યારે મ્યાનમારમાં એક નદી પર બનેલો પુલ તૂટી પડ્યો છે.
ટ્રેન્ડિંગ




બેંગકોકમાં ભૂકંપના કારણે ધરાશાયી થયેલી એક ઇમારતના કાટમાળ નીચે ફસાયેલા એક કામદારનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેનું ધડ કાટમાળમાં ફસાયેલું છે અને માત્ર માથું જ બહાર દેખાઈ રહ્યું છે. તે લાચાર અવસ્થામાં લોકોને મદદ માટે પોકારી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરનાર યુઝરે દાવો કર્યો છે કે લગભગ ૪૩ લોકો હજુ પણ આ કાટમાળ નીચે દટાયેલા છે, જોકે એબીપી ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. બેંગકોક શહેરના અન્ય એક વીડિયોમાં એક બહુમાળી ઇમારત ધૂળના ગોટેગોટા સાથે ધરાશાયી થતી જોવા મળી રહી છે અને ત્યાં હાજર લોકો ચીસો પાડીને ભાગી રહ્યા છે.
સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના રિપોર્ટ અનુસાર, ૭.૭ની તીવ્રતાના ભૂકંપ બાદ મ્યાનમારની સેનાએ દેશના ઘણા ભાગોમાં ઇમરજન્સી લાગુ કરી દીધી છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકા શુક્રવારે કોલકાતા અને ઇમ્ફાલમાં પણ હળવા પ્રમાણમાં અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે અને જર્મનીના જીએફઝેડ જીઓલોજી સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ બપોરે ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્ર પાડોશી દેશ મ્યાનમારમાં હતું.
ભૂકંપના તીવ્ર આંચકા બાદ મ્યાનમારના મંડલે એરપોર્ટ પરથી લોકોને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એરપોર્ટ પર એલર્ટ એલાર્મ વાગતાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત, મારની ઇરાવતી નદી પર બનેલો એક મહત્વપૂર્ણ પુલ પણ ધરાશાયી થયો છે, જેના કારણે બે શહેરો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. આ ભયાનક ભૂકંપના કારણે થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભારે જાનમાલનું નુકસાન થયું હોવાની આશંકા છે.