Thailand School Firing: શાળામાં અંધાધૂંધ ગોળીબાર; વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બંધક બનાવાયા, 1 ઘાયલ
કેનેડા બાદ હવે થાઈલેન્ડ હચમચ્યું: સ્કૂલ છૂટવાના સમયે 18 વર્ષીય શૂટર ત્રાટક્યો; સોંગખલા પ્રાંતમાં હાઈવોલ્ટેજ ડ્રામા, મહિલા સ્ટાફ અને ધોરણ-11 ના વિદ્યાર્થીને ગન પોઈન્ટ પર રાખ્યા, પોલીસનું સ્પેશિયલ ઓપરેશન શરૂ.

Thailand School Firing: બેંગકોક (Bangkok) થી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિશ્વ હજુ કેનેડાની સ્કૂલમાં થયેલા ગોળીબારના આઘાતમાંથી બહાર આવ્યું નથી, ત્યાં જ દક્ષિણ પૂર્વ એશિયાના દેશ થાઈલેન્ડ (Thailand) માંથી હચમચાવી દેનારી ઘટના બની છે. થાઈલેન્ડના દક્ષિણ પ્રાંત 'સોંગખલા' (Songkhla) માં આવેલા હાટ યાઈ જિલ્લામાં આજે સાંજે એક સ્કૂલમાં અજાણ્યા શખ્સોએ ઘૂસીને અંધાધૂંધ 'ગોળીબાર' (Firing) કર્યો હતો. આટલેથી ન અટકતા, હુમલાખોરોએ સ્કૂલના માસૂમ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને 'બંધક' (Hostage) બનાવી લીધા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
સ્થાનિક મીડિયા અને 'રોઈટર્સ' (Reuters) ના અહેવાલ મુજબ, આ ઘટના 'પટોંગ પ્રથાન ખીરિવિટ સ્કૂલ' (Patong Prathan Khiriwit School) માં બની હતી. ઘટનાનો સમય ખૂબ જ સંવેદનશીલ હતો, કારણ કે જ્યારે શાળા છૂટવાનો સમય હતો અને વિદ્યાર્થીઓ ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે જ હુમલાખોરો ત્રાટક્યા હતા. અચાનક થયેલા ગોળીબારથી સ્કૂલ પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, આડેધડ કરાયેલા ગોળીબારમાં એક શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય કેટલાક બાળકોને પણ ઈજા પહોંચી હોવાના બિનસત્તાવાર અહેવાલો મળી રહ્યા છે. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના રહીશો પણ ફફડી ઉઠ્યા હતા.
'થૈરથ ન્યૂઝ' (Thairath News) ના રિપોર્ટ મુજબ, મુખ્ય શંકાસ્પદ શૂટરની ઓળખ 18 Years ના યુવક 'ખેમ' તરીકે થઈ છે. તેણે શાળાના પહેલા માળે આવેલા 'જનસંપર્ક રૂમ' (PR Room) માં પોતાનો અડ્ડો જમાવ્યો છે. ત્યાં તેણે એક મહિલા સ્ટાફ અને માથાયોમ-5 એટલે કે 'ધોરણ-11' (Grade 11) ના એક વિદ્યાર્થીને ગન પોઈન્ટ પર બંધક બનાવ્યા છે.
ઘટનાની ગંભીરતાને જોઈને થુંગ લંગ પોલીસ સ્ટેશનની ટીમે આખી સ્કૂલને ચારે બાજુથી કોર્ડન કરી લીધી છે. થાઈલેન્ડનું 'સ્પેશિયલ ઓપરેશન યુનિટ' (Special Operation Unit) ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને શૂટર સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી બંધકોને સુરક્ષિત છોડાવી શકાય. હાઈવોલ્ટેજ ડ્રામા હજુ પણ ચાલુ છે.
આ ઘટનાએ થાઈલેન્ડમાં વર્ષ 2022 માં થયેલા નરસંહારની યાદ તાજી કરી દીધી છે, જ્યારે એક પૂર્વ પોલીસ અધિકારીએ ડેકેર સેન્ટરમાં ઘૂસીને 37 લોકોની હત્યા કરી હતી, જેમાં મોટાભાગના નાના બાળકો હતા. આ ઘટના બાદ થાઈલેન્ડમાં ગન કલ્ચર અને સ્કૂલની સુરક્ષા અંગે ફરી સવાલો ઉભા થયા છે.
હાલમાં, સ્થાનિક વહીવટીતંત્રે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. માતા-પિતા સ્કૂલની બહાર પોતાના બાળકોની સુરક્ષા માટે આક્રંદ કરી રહ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) હજુ પણ ચાલુ છે અને પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે.
નોંધ: આ સમાચારમાં પહેલા 22 બાળકો સહિત 34 લોકોના મોતની જાણ કરવામાં આવી હતી. જો કે, તાજેતરના અપડેટમાં, તે માહિતી ખોટી હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ નવી માહિતીને આધારે આ સમાચાર અપડેટ કરવામાં આવ્યા છે.























