Trump warning to Iran: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ ગરમાગરમી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી અને ગંભીર ધમકી આપી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં કોઈ સોદો (ડીલ) નહીં થાય, તો એક ભયંકર યુદ્ધ ફાટી નીકળશે અને ગોળીઓ ખૂબ જ જોરથી છૂટશે. આ સાથે જ તેમણે આરબ દેશોને પણ એક ખાસ અપીલ કરીને વૈશ્વિક શાંતિ માટે આગળ આવવા જણાવ્યું છે.
"ગોળીઓ પહેલા કરતા વધુ જોરથી છૂટશે"
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક લાંબી પોસ્ટ લખીને આ ચેતવણી આપી છે. તેમણે લખ્યું છે કે, "ઈરાન સાથે અમારી વાતચીત ખૂબ જ સારી દિશામાં આગળ વધી રહી છે. કાં તો આ બધા માટે એક શાનદાર ડીલ સાબિત થશે, અથવા તો કોઈ જ ડીલ નહીં થાય. જો ડીલ નહીં થાય તો અમે ફરીથી યુદ્ધના મેદાનમાં પાછા ફરીશું, અને આ વખતે ગોળીઓ પહેલા કરતા પણ વધુ તાકાતથી અને જોરથી છૂટશે. જોકે, આવું કોઈ જ નથી ઈચ્છતું."
અબ્રાહમ કરાર પર સહી કરવા આરબ દેશોને અપીલ
ટ્રમ્પે આરબ દેશોના નેતાઓનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું કે, અમેરિકાએ આટલી જટિલ સમસ્યા ઉકેલવા માટે જે પણ પ્રયાસો કર્યા છે, તે જોતાં આ તમામ દેશોએ એકસાથે 'અબ્રાહમ કરાર' પર સહી કરવી જોઈએ. તેમણે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત, જોર્ડન અને બહેરીન જેવા દેશોના નામ લીધા હતા. નોંધનીય છે કે આમાંથી UAE અને બહેરીન તો પહેલેથી જ આ કરારનો હિસ્સો છે.
"વૈશ્વિક ગઠબંધનમાં જોડાવું એ સન્માનની વાત હશે"
ટ્રમ્પે વધુમાં કહ્યું કે, "એક કે બે દેશો પાસે આ કરારમાં ન જોડાવાના પોતાના અંગત કારણો હોઈ શકે છે, જેને અમે સ્વીકારીશું. પરંતુ મોટાભાગના દેશોએ ઈરાન સાથેની આ ડીલને એક ઐતિહાસિક ઘટના બનાવવા માટે તૈયાર અને સક્ષમ હોવું જોઈએ. હું તમામ દેશોને તાત્કાલિક અબ્રાહમ કરાર પર સહી કરવા વિનંતી કરું છું." તેમણે ઉમેર્યું કે, જો ઈરાન પણ આ અનોખા વૈશ્વિક ગઠબંધનમાં જોડાય, તો તે આપણા સૌ માટે સન્માનની વાત હશે.
શું છે આ અબ્રાહમ કરાર (Abraham Accords)?
અબ્રાહમ કરાર એ અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવેલો એક ઐતિહાસિક શાંતિ કરાર છે. વર્ષ 2020 માં ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન જ આ કરાર પર સહી કરવામાં આવી હતી. આ કરાર હેઠળ જ ઇતિહાસમાં પહેલીવાર કેટલાક આરબ દેશોએ ઇઝરાયલ સાથેના પોતાના કડવા સંબંધો ભૂલીને તેને સત્તાવાર રીતે સામાન્ય બનાવ્યા હતા.
