Trump Greenland Purchase: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફરી એકવાર પોતાના આક્રમક નિર્ણયોથી વૈશ્વિક રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો છે. ગ્રીનલેન્ડ (Greenland) ને ખરીદવાની જીદ લઈને બેઠેલા ટ્રમ્પે હવે યુરોપના 8 દેશોને ખુલ્લી ચેતવણી આપી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી ગ્રીનલેન્ડની "સંપૂર્ણ ખરીદી" માટેનો સોદો પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી આ દેશોએ અમેરિકા સાથે વેપાર કરવા માટે ભારે કિંમત ચૂકવવી પડશે.
ટ્રમ્પે કરેલી જાહેરાત મુજબ, આગામી 1 February, 2026 થી ડેનમાર્ક સહિતના 8 યુરોપિયન દેશો પર અમેરિકા આવતા તમામ માલસામાન પર 10% ટેરિફ (આયાત ડ્યુટી) લાદવામાં આવશે. જો ત્યાં સુધીમાં કોઈ ઉકેલ નહીં આવે, તો 1 June, 2026 થી આ ટેરિફ વધારીને સીધો 25% કરી દેવામાં આવશે. આ યાદીમાં ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુકે (UK), નેધરલેન્ડ અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે.
ટ્રમ્પના મતે આ માત્ર જમીનનો સોદો નથી, પરંતુ 'વૈશ્વિક શાંતિ' (Global Peace) અને રાષ્ટ્રીય સુરક્ષા (National Security) નો ગંભીર પ્રશ્ન છે. ટ્રમ્પનો દાવો છે કે ચીન અને રશિયાની નજર ગ્રીનલેન્ડ પર છે અને ડેનમાર્ક એકલું તેનું રક્ષણ કરી શકે તેમ નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે હાલમાં ડેનમાર્ક પાસે સુરક્ષા માટે માત્ર 'બે ડોગલેજ' (Dog sleds) જેવી સામાન્ય વ્યવસ્થા છે.
વ્યૂહાત્મક રીતે જોઈએ તો અમેરિકા હાલમાં સેંકડો અબજો ડોલરના ખર્ચે અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ અને મિસાઈલ શિલ્ડ 'ધ ડોમ' (Golden Dome) વિકસાવી રહ્યું છે. આ સિસ્ટમની મહત્તમ કાર્યક્ષમતા માટે ગ્રીનલેન્ડનું ભૌગોલિક સ્થાન અત્યંત મહત્વનું છે. ટ્રમ્પ માને છે કે કેનેડા અને અમેરિકાના રક્ષણ માટે આ સોદો અનિવાર્ય છે.
પોતાના નિર્ણયનો બચાવ કરતા ટ્રમ્પે કહ્યું કે, "અમેરિકાએ દાયકાઓ સુધી યુરોપિયન યુનિયન અને આ દેશોને વગર કોઈ ટેરિફે સબસિડી આપી છે અને તેમનું રક્ષણ કર્યું છે. હવે સદીઓ પછી, ડેનમાર્ક માટે વળતર આપવાનો સમય પાકી ગયો છે." તેમણે ઉમેર્યું કે આ 8 દેશોના ગ્રીનલેન્ડમાં અજાણ્યા હેતુઓ માટેના આગમનથી પૃથ્વીની સુરક્ષા જોખમાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા છેલ્લા 150 વર્ષથી ગ્રીનલેન્ડ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. અનેક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓએ આ માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. હવે આધુનિક શસ્ત્ર પ્રણાલી અને ભૌગોલિક વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ આ ડીલને કોઈપણ ભોગે પાર પાડવા માંગે છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે ડેનમાર્ક સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.