trump iran peace talks: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ મામલે કડક અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પાસેથી કોઈપણ પ્રકારનો ટેક્સ કે ટોલ વસૂલવાની કોશિશ કરશે, તો બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા તાત્કાલિક ધોરણે રદ કરી દેવામાં આવશે. જોકે, ટ્રમ્પે એવો દાવો પણ કર્યો છે કે ઈરાને પોતે જ આવા ટેક્સ વસૂલાતના અહેવાલોને નકલી (ફેક ન્યૂઝ) ગણાવ્યા છે અને કહ્યું છે કે જહાજો પાસેથી કોઈ ટોલ કે વીમા ખર્ચ વસૂલવામાં આવી રહ્યો નથી. આ સમગ્ર વિવાદે ફરી એકવાર વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ગરમાવો લાવી દીધો છે.

Continues below advertisement

ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પની સ્પષ્ટતા અને ફંડનો મુદ્દો

પોતાની આગવી શૈલી મુજબ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ મુદ્દે સીધી વાત કરી હતી. તેમણે કહ્યું કે ઈરાને અમેરિકાને જાણ કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર ફી કે ચાર્જ લગાવવાની વાતો માત્ર 'ફેક ન્યૂઝ' છે અને તેમાં કોઈ સચ્ચાઈ નથી. આ સાથે જ તેમણે ધમકીભર્યા સૂરમાં કહ્યું કે જો ભવિષ્યમાં આ વાતોમાં જરા પણ સચ્ચાઈ જોવા મળશે, તો વાટાઘાટો ત્યાં જ પૂરી થઈ જશે.

Continues below advertisement

ફંડ વિશે ચાલી રહેલી અફવાઓ પર પણ ટ્રમ્પે સ્પષ્ટતા કરતા દાવો કર્યો કે, "અમેરિકાએ ઈરાનને કોઈ ફંડ આપ્યું નથી કે તેમના રોકાયેલા ફંડમાંથી કોઈ રકમ છૂટી કરી નથી. અમેરિકાના કંટ્રોલમાં રહેલા આ ફંડનો ઉપયોગ અમેરિકન ખેડૂતો અને પશુપાલકો પાછળ થશે, જેથી તેઓ મકાઈ, ઘઉં અને સોયાબીન જેવી ખેતપેદાશો ઉગાડી શકે." તેમણે વધુમાં ઉમેર્યું કે ઈરાનને અત્યારે અનાજની સખત જરૂર છે, અને અમેરિકા એ વાતની ખાતરી કરશે કે તેમને જરૂરી ખાદ્ય પુરવઠો ફક્ત અમેરિકન ખેડૂતોના ઉત્પાદનોમાંથી જ પૂરો પાડવામાં આવે.

આ પણ વાંચોઃ વેનેઝુએલા-ઈરાન પછી અમેરિકાના નિશાના પર કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પના ઈન્ટરવ્યુથી ખળભળાટ

ઈરાન અને ઓમાનનું નવું નિવેદન

એક તરફ ટ્રમ્પ આ વાતોને ફેક ન્યૂઝ કહી રહ્યા છે, તો બીજી તરફ ઈરાન સતત એવું રટણ કરી રહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર તેનો જ કંટ્રોલ રહેશે. મંગળવારે તો ઈરાન અને ઓમાને એક સંયુક્ત નિવેદન બહાર પાડીને એવી જાહેરાત કરી કે બંને દેશો આ રૂટની જાળવણી અને સુરક્ષા સેવાઓ માટે ત્યાંથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલવા અંગે ગંભીરતાથી વિચારણા કરશે. આ નિવેદને વિવાદને વધુ હવા આપી છે.

માર્કો રુબિયોનું કડક વલણ

આ મામલે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પણ એકદમ કડક વલણ અપનાવ્યું છે. UAE ની મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા ભવિષ્યમાં થનારા કોઈપણ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ટોલ વસૂલવાની મંજૂરી ક્યારેય નહીં આપે. તેમણે કહ્યું કે, "આ એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે, અને કોઈપણ દેશને આવા રૂટ પર ટોલ કે ફી ઉઘરાવવાનો કોઈ જ અધિકાર નથી. મને પૂરો વિશ્વાસ છે કે આ વિસ્તારના અન્ય દેશો પણ અમેરિકાની આ વાત સાથે સહમત થશે."

આ પણ વાંચોઃ ‘મોદી પીએમ હશે ત્યાં સુધી ભારત પર હુમલો થશે તો અમેરિકા સાથ આપશે’: ડોનાલ્ડ ટ્રમ્પનું વચન