Ram Navami: અબુ ધાબીના જાણીતા BAPS હિન્દુ મંદિરમાં રામ નવમી અને સ્વામી નારાયણ જયંતીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાને પ્રોત્સાહન આપ્યું હતું. BAPS મંદિરના મુખ્ય પૂજારી બ્રહ્મવિહારી સ્વામીના જણાવ્યા અનુસાર, આ ઉત્સવ દિવસભર ચાલુ રહ્યો, જેમાં સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી રામ ભજનો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્રી રામ જન્મોત્સવ આરતી કરવામાં આવી હતી.
એક નિવેદનમાં જણાવાયું છે કે વિવિધ વિસ્તારોમાંથી ભક્તો મંદિરમાં પહોંચ્યા હતા. તેમણે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ ઉત્સવમાં સામેલ થવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આ આધ્યાત્મિક સભા શાંતિ, એકતા અને શાશ્વત હિન્દુ મૂલ્યોનું પ્રતિક બન્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યો
આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ BAPS દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ જેવું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. સંગીત, નાટક અને વાર્તાના માધ્યમથી યુવા કલાકારોએ ભગવાન રામના દિવ્ય અને પ્રેરણાદાયી જીવનને રજૂ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
રામ નવમી ક્યારે ઉજવવામાં આવે છે?
અબુ ધાબીમાં આવેલું BAPS હિન્દુ મંદિર પરસ્પર સંવાદિતા, ભક્તિ અને હિન્દુ ગૌરવનું પ્રતીક છે. રામ નવમી એ એક હિન્દુ તહેવાર છે જે ભગવાન રામના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. ભગવાન રામને હિન્દુ ધર્મમાં એક મુખ્ય દેવતા માનવામાં આવે છે અને તેઓ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર છે. રામ નવમી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના નવમા દિવસે ઉજવવામાં આવે છે.