UK New Immigration Rules: યુનાઇટેડ સ્ટેટ્સ (US) માં H-1B વિઝા નિયમો કડક થયા પછી હવે બ્રિટને પણ તેના ઇમિગ્રેશન કાયદામાં મોટો ફેરફાર કર્યો છે, જેના કારણે ત્યાં કામ કરતા ભારતીય કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. બ્રિટિશ લેબર પાર્ટીની કીર સ્ટારમર સરકારે જાહેરાત કરી છે કે યુનાઇટેડ કિંગડમ (UK) માં વિદેશી કર્મચારીઓને હવે કાયમી નિવાસ (Permanent Residency) મેળવવા માટે પાંચ વર્ષની જગ્યાએ દસ વર્ષ સુધી રાહ જોવી પડશે. બ્રિટિશ ગૃહ સચિવ શબાના મહમૂદે સોમવાર (29 સપ્ટેમ્બર) ના રોજ આ પગલાંની જાહેરાત કરી હતી, જેમાં ઇમિગ્રન્ટ્સે કાયમી નિવાસ માટે લાયક બનતા પહેલાં પોતાને 'સારા નાગરિક' તરીકે સાબિત કરવા માટે રાષ્ટ્રીય વીમા ફાળો ચૂકવવા અને ઉચ્ચ ગુણવત્તાવાળી અંગ્રેજી શીખવા જેવી નવી શરતોનું પાલન કરવું પડશે. આ કડક નિયમો ખાસ કરીને અભ્યાસ કે નોકરી માટે લાંબા સમયથી UK માં રહેતા ભારતીય નાગરિકો પર મોટો નાણાકીય અને માનસિક બોજ લાદી શકે છે.
કાયમી નિવાસ માટેનો સમયગાળો બમણો: યુકેની નવી નીતિ
યુએસ માં H-1B વિઝાની અરજી ફી વધારીને એક લાખ ડોલર કરાયા બાદ હવે બ્રિટિશ સરકારે પણ કાયદાઓમાં ફેરફાર કર્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, બ્રિટિશ ગૃહ સચિવ શબાના મહમૂદે જાહેરાત કરી છે કે વિદેશી કર્મચારીઓ હવે કાયમી નિવાસ માટે લાયક બનવા માટે બમણો રાહ જોવાનો સમય એટલે કે 5 વર્ષને બદલે 10 વર્ષ રાહ જોવી પડશે. આનો અર્થ એ છે કે, જે લોકો નોકરી કે અભ્યાસ માટે યુકેમાં સ્થાયી થવા માંગે છે, તેમની અનિશ્ચિતતાનો સમયગાળો બમણો થઈ ગયો છે.
નવા નિયમોની મુખ્ય શરતો અને ભારતીયો પર અસર
સ્ટારમર સરકારે ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કડક વલણ અપનાવવાના ભાગરૂપે આ નવા નિયમો લાગુ કર્યા છે. કાયમી નિવાસ માટે અરજી કરનારાઓ માટે નવી શરતો આ પ્રમાણે છે:
- રાહ જોવાનો સમયગાળો બમણો: 5 વર્ષની જગ્યાએ 10 વર્ષ સુધી યુકેમાં રહેવું પડશે.
- નાણાકીય બોજ: અરજદારોએ બમણા સમયગાળા માટે રાષ્ટ્રીય વીમા ફાળો ચૂકવવો પડશે.
- સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા: અરજદારોએ ઉચ્ચ ગુણવત્તાવાળી અંગ્રેજી શીખવી પડશે અને સ્થાનિક ધાર્મિક સંસ્થાઓમાં સ્વયંસેવક બનીને પોતાને 'સારા નાગરિક' તરીકે સાબિત કરવા પડશે.
- નવી પરીક્ષાઓ: તેમને ઘણી નવી પરીક્ષાઓ પણ પાસ કરવી પડશે.
યુકેમાં અભ્યાસ અને કામ માટે મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે. આ નિયમોની સૌથી વધુ અસર ભારતીય નાગરિકો પર થઈ શકે છે, કારણ કે કાયમી નિવાસ માટે અરજી કરવાનો સમયગાળો બમણો થતાં તેમના પર નાણાકીય બોજ વધશે. આ ઉપરાંત, કાયમી નિવાસની પ્રક્રિયા લાંબી થતાં તેઓ લાંબા સમય સુધી અનિશ્ચિતતાની સ્થિતિમાં ફસાઈ શકે છે. જોકે, સરકારે આ પગલાં દ્વારા જેમને કાયમી નિવાસ મળશે, તેમના માટે નાગરિકતાનો માર્ગ સરળ બનશે અને અન્ય લાભો પણ મળશે તેમ જણાવ્યું છે.