છેલ્લા 22 દિવસથી રશિયા યુક્રેનમાં ગોળા અને મિસાઈલનો વરસાદ કરી રહ્યું છે. રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનના 103 બાળકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં સેંકડો નિર્દોષ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે.


આ દરમિયાન યુક્રેનના વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, રશિયાને અત્યાર સુધીમાં કેટલું નુકસાન થયું છે. ટ્વિટ અનુસાર, યુક્રેને કહ્યું કે, તેણે 14,000 રશિયન સૈનિકોને ઠાર કર્યા છે. આ સાથે રશિયન આર્મીના 86 એરક્રાફ્ટ, 108 હેલિકોપ્ટર અને 444 ટેન્કને પણ તોડી પાડી છે.


યુક્રેને દાવો કર્યો છે કે તેણે, 43 એન્ટી એરક્રાફ્ટ વોરફેર સિસ્ટમ, 3 જહાજો, 864 વાહનો, 201 આર્ટિલરી, 1455 સશસ્ત્ર વાહનો, 10 વિશેષ ઉપકરણોને પણ નષ્ટ કર્યા છે.






બીજી તરફ રશિયાની સેના જમીનથી લઈને આકાશ સુધી મોતનો વરસાદ વરસાવી રહી છે. યુક્રેનના શહેરોમાં વિસ્ફોટો અને તોપમારો ચાલુ છે. બુધવારે, ચેર્નિહિવમાં રશિયન હવાઈ હુમલા અને તોપમારામાં 53 નાગરિકોનાં મોત થયા હતા.


ચેર્નિહિવ ઓબ્લાસ્ટના ગવર્નર વ્યાચેસ્લાવ ચૌસે આ માહિતી આપી છે. રશિયન આર્મીએ બુધવારે મેરીયુપોલમાં એક થિયેટર પર હુમલો કર્યો હતો જ્યાં સેંકડો લોકોએ આશ્રય લીધો હતો. આ સાથે જ અન્ય શહેરો પર બોમ્બમારો કર્યો હતો. જો કે, બંને પક્ષોએ યુદ્ધને સમાપ્ત કરવા માટે ચાલી રહેલી વાટાઘાટોના પ્રયાસો અંગે આશાવાદી દૃષ્ટિકોણ દર્શાવ્યો છે.


યુક્રેનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હવાઈ હુમલામાં એક ભવ્ય ઈમારતના કેન્દ્રનો ભોગ લેવાયો હતો. આ ઈમારતમાં સેંકડો નાગરિકો અને તેમના ઘરોનો નાશ થયો હતો. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હતા. જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે, કેટલા લોકો ઘાયલ થયા છે.