ટ્રમ્પ વહીવટીતંત્રના પારસ્પરિક ટેરિફ નિર્ણય પર અમેરિકાની એક કોર્ટે સ્ટે આપ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પ વહીવટીતંત્રે કોર્ટમાં અપીલ કરી હતી, ત્યારબાદ ફેડરલ અપીલ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ વસૂલવાની મંજૂરી આપી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટને જ્યારે પૂછવામાં આવ્યું કે શું અમેરિકન કોર્ટ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર સ્ટે મુકવામાં આવ્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિએ અન્ય દેશોના નેતાઓ સાથે વાત કરી છે.

જેના પર વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે તેમણે ( રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે) આજે સવારે જાપાનના નેતા સાથે વાત કરી અને કહ્યું કે તે ખૂબ જ સારો કોલ અને  સારી ચર્ચા હતી. જેમ મેં કહ્યું તેમ, રાષ્ટ્રપતિનું મંત્રીમંડળ વિશ્વભરના દેશોમાં તેના સમકક્ષો સાથે સંપર્કમાં છે જેથી તેમને જણાવી શકાય કે યુનાઇટેડ સ્ટેટ્સ હજુ પણ વાટાઘાટો કરશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે અમે હજુ પણ અપેક્ષા રાખીએ છીએ કે વિશ્વભરના દેશો અમારી સાથે ન્યાયી વર્તન કરશે. એ કેટલું હાસ્યાસ્પદ છે કે અમને લૂંટવામાં આવ્યા છે, અમારો મધ્યમ વર્ગ ખોખલો થઈ ગયો છે, અમારુ ઉત્પાદન આધાર વિદેશમાં ગયું છે, નોકરીઓ વિદેશમાં ગઈ છે અને કોઈ કોર્ટે તેના વિશે કંઈ કર્યું નથી.

પરંતુ હવે એક કોર્ટ રાષ્ટ્રપતિને ભૂતકાળની ભૂલો સુધારવાનો પ્રયાસ કરતા અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રવક્તાએ કહ્યું કે આ સરકાર આમ કરવાનું ચાલુ રાખશે. આ એક વચન છે જે રાષ્ટ્રપતિએ અમેરિકન લોકોને આપ્યું છે અને તે એક વચન છે જેના પર તેમણે તેમને ચૂંટ્યા છે. અમે કોર્ટમાં આ લડાઈ જીતીશું.

કોર્ટે આ પહેલા કહ્યું હતું

અગાઉ, અમેરિકાની ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું હતું કે 1977માં કરવામાં આવેલ ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) ટ્રમ્પને આ રીતે આયાત ડ્યુટી લાદવાની મંજૂરી આપતો નથી.

ટ્રમ્પ વહીવટીતંત્રે કોર્ટમાં આ દલીલ આપી હતી

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાવવાની ટ્રમ્પ વહીવટીતંત્રની દલીલે ટ્રેડ કોર્ટમાં અસર કરી નહોતી. અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે ન્યૂયોર્ક કોર્ટને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ત્યારે જ થયો જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તક્ષેપ કર્યો અને યુદ્ધ ટાળવા માટે બંને દેશોને અમેરિકા સાથે વેપાર કરવાની ઓફર કરી હતી.

ભારતે યુદ્ધવિરામ અંગે વોશિંગ્ટનના દાવાને નકારી કાઢ્યો

ભારતે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાન સાથેના સંઘર્ષ દરમિયાન ભારતીય અને અમેરિકન નેતાઓ વચ્ચેની વાતચીતમાં વેપારનો મુદ્દો બિલકુલ ચર્ચામાં આવ્યો ન હતો. ભારતે વોશિંગ્ટનના દાવાને નકારી કાઢ્યો કે તેના વેપાર પ્રસ્તાવથી સૈન્ય સંઘર્ષ બંધ થયો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે 7 મેના રોજ ઓપરેશન સિંદૂરની શરૂઆતથી 10 મેના રોજ લશ્કરી કાર્યવાહી રોકવાના કરાર સુધી ભારત અને અમેરિકાના નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. વેપાર કે ટેરિફનો મુદ્દો કોઈપણ ચર્ચામાં આવ્યો ન હતો.