US EU Trade Deal Suspended: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની વિસ્તારવાદી નીતિ અને આક્રમક વલણને કારણે અમેરિકાને આંતરરાષ્ટ્રીય મોરચે મોટો ફટકો પડ્યો છે. બુધવારે (21 January, 2026), યુરોપિયન સંસદે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને અમેરિકા સાથેના 'મુક્ત વેપાર કરાર' (Trade Deal) ને સ્થગિત કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, યુએસ અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે જુલાઈ 2025 માં જ આ કરાર પર સહમતિ સધાઈ હતી. પરંતુ ટ્રમ્પે ગ્રીનલેન્ડ (Greenland) પર કબજો મેળવવાની જીદ પકડી રાખતા અને વિરોધ કરનારા યુરોપિયન સાથી દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપતા મામલો બિચક્યો છે.

10 થી 25 ટકા ટેરિફની ધમકીથી યુરોપ નારાજ 

યુરોપિયન સંસદના સભ્ય અને યુએસ-ઈયુ ટ્રેડ રિલેશન્સ કમિટી (INTA) ના ચેરમેન બર્ન્ડ લેંગે (Bernd Lange) બુધવારે જારી કરેલા નિવેદનમાં ટ્રમ્પની ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, "અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા યુરોપિયન દેશો પર 10% થી 25% ટેરિફ લાદવાની યોજના એ વેપાર કરારના મૂળભૂત નિયમોનો ભંગ છે." દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) માં ટ્રમ્પના ભાષણનો ઉલ્લેખ કરતા લેંગે કહ્યું કે ટ્રમ્પનું વલણ બદલાયું નથી અને તેઓ જબરદસ્તી ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવવા માંગે છે.

Continues below advertisement

Continues below advertisement

"ગ્રીનલેન્ડ બરફનો ટુકડો છે, અમને માલિકી જોઈએ છે" 

ટ્રમ્પે દાવોસમાં વિવાદાસ્પદ નિવેદન આપતા ગ્રીનલેન્ડને સમુદ્ર વચ્ચે તરતા "બરફના મોટા ટુકડા" સાથે સરખાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "અમને ગ્રીનલેન્ડ લીઝ (Lease) પર નહીં, પણ માલિકી હક સાથે જોઈએ છે. લીઝથી સુરક્ષા શક્ય નથી." એટલું જ નહીં, ટ્રમ્પે નાટો (NATO) દેશોને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે, "જો તમે ગ્રીનલેન્ડ મેળવવામાં અમેરિકાને મદદ કરશો તો અમે આભારી રહીશું, નહીં તો અમે આ વાત યાદ રાખીશું."

"નાટોએ અમેરિકા સાથે સારો વ્યવહાર નથી કર્યો" 

ટ્રમ્પે પોતાની દલીલ રજૂ કરતા કહ્યું હતું કે ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ નાટો ગઠબંધનને વધુ મજબૂત બનાવશે. તેમણે ઇતિહાસ યાદ અપાવતા કહ્યું કે, "બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે અમે ગ્રીનલેન્ડને ડેનમાર્કને પરત કર્યું ત્યારે તે અમારી મૂર્ખામી હતી. અમે એક સુંદર દેશ માટે લડ્યા જે જમીન નહીં પણ બરફનો ટુકડો છે. હવે અમેરિકા વધુ શક્તિશાળી છે અને યુરોપે અમારી પાસેથી શીખવું જોઈએ." ટ્રમ્પના આવા નિવેદનોને કારણે હવે અમેરિકા અને યુરોપ વચ્ચેના સંબંધો તંગદિલીભર્યા બન્યા છે.