US-India Map: અમેરિકાએ PoK અને અક્સાઈ ચીનને ગણાવ્યા ભારતનો હિસ્સો; પાકિસ્તાન-ચીનમાં ફફડાટ
ભારતની મોટી કૂટનીતિક જીત: ટ્રમ્પ પ્રશાસને વેપાર કરારની સાથે જારી કરેલા નકશામાં જમ્મુ-કાશ્મીરના વિવાદિત વિસ્તારોને ભારતનો અભિન્ન અંગ ગણાવ્યા; નિષ્ણાતોએ કહ્યું- આ પાકિસ્તાન માટે મોટો રાજકીય ઝટકો.

US India Trade Deal Map: વોશિંગ્ટન અને નવી દિલ્હી (Washington/New Delhi) વચ્ચેના સંબંધોમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે. એક તરફ બંને દેશો વચ્ચે વચગાળાના 'વેપાર કરાર' (Trade Deal) ની જાહેરાત થઈ છે, તો બીજી તરફ અમેરિકાએ એક એવું પગલું ભર્યું છે જેનાથી પાકિસ્તાન અને ચીનની ઊંઘ હરામ થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ભારતના સત્તાવાર નકશામાં 'પાકિસ્તાન અધિકૃત કાશ્મીર' (PoK) અને ચીન જેનો દાવો કરે છે તે 'અક્સાઈ ચીન' (Aksai Chin) ને ભારતના અભિન્ન અંગ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
શનિવારે, 7 February, 2026 ના રોજ 'યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ' (US Trade Representative) ઓફિસ દ્વારા આ નકશો જાહેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી અમેરિકા કાશ્મીર મુદ્દે સંતુલિત વલણ અપનાવતું હતું અને નકશામાં વિવાદિત ક્ષેત્રોને અલગ રીતે દર્શાવતું હતું. પરંતુ આ નવા નકશામાં અમેરિકાએ સ્પષ્ટપણે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (PoK) ને ભારતના મુખ્ય ભૂ-ભાગ તરીકે માન્યતા આપી દીધી છે, જે ભારતની મોટી જીત છે.
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના મતે, આ ઘટના પાકિસ્તાન માટે એક મોટો અને ગંભીર 'રાજદ્વારી ફટકો' (Diplomatic Blow) છે. ભારત હંમેશા વૈશ્વિક મંચ પર કહેતું આવ્યું છે કે PoK અમારું છે, અને હવે અમેરિકા જેવા સુપરપાવરે પણ તેના પર સત્તાવાર મહોર મારી દીધી છે. આનાથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો આંતરરાષ્ટ્રીય પ્રોપેગेंडा નબળો પડશે.
આ નકશામાં માત્ર PoK જ નહીં, પરંતુ લદ્દાખની પૂર્વમાં આવેલા 'અક્સાઈ ચીન' (Aksai Chin) વિસ્તારને પણ ભારતીય સીમામાં દર્શાવવામાં આવ્યો છે. ચીન લાંબા સમયથી આ વિસ્તાર પર પોતાનો દાવો કરતું આવ્યું છે. ટ્રમ્પ પ્રશાસનનું આ પગલું દર્શાવે છે કે અમેરિકા હવે એશિયામાં ભારતની ભૌગોલિક અખંડિતતાને (Territorial Integrity) સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે, જે ચીન માટે પણ લાલબત્તી સમાન છે.
From tree nuts and dried distillers’ grains to red sorghum and fresh and processed fruit, the U.S.-India Agreement will provide new market access for American products. pic.twitter.com/mqpP10LJp1
— United States Trade Representative (@USTradeRep) February 6, 2026
સંરક્ષણ અને વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતો આને ભારતની મોટી કૂટનીતિક સફળતા ગણાવી રહ્યા છે. નિવૃત્ત મેજર ગૌરવ આર્યએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા તેને અમેરિકાનું "શાનદાર પગલું" ગણાવ્યું હતું. આ ઘટનાક્રમ સ્પષ્ટ કરે છે કે વૈશ્વિક સ્તરે હવે પાકિસ્તાન અને ચીનના જૂઠાણા ચાલી રહ્યા નથી અને ભારતનું કદ વધી રહ્યું છે.
નકશા વિવાદની સાથે સાથે આર્થિક મોરચે પણ ભારતને રાહત મળી છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર લાગતો 50% 'ટેરિફ' (Tariff) ઘટાડીને સીધો 18% કરી દીધો છે. આનાથી સ્ટીલ, ફાર્મા અને ઓટો સેક્ટરને નિકાસમાં ફાયદો થશે અને ભારતીય માલસામાન અમેરિકન માર્કેટમાં સ્પર્ધાત્મક બનશે.
આ ડીલની ખાસ વાત એ છે કે ભારતે પોતાના 'કૃષિ અને ડેરી ઉદ્યોગ' (Agriculture and Dairy Industry) ના હિતોનું સંપૂર્ણ રક્ષણ કર્યું છે. એટલે કે અમેરિકન દૂધ અને કૃષિ પેદાશોથી ભારતીય ખેડૂતોને નુકસાન ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે. આમ, આ સોદો ભારત માટે રાજકીય અને આર્થિક એમ બંને મોરચે વિજય સમાન છે.























