us iran peace deal 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી દુશ્મનાવટનો હવે કદાચ અંત આવવા જઈ રહ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એક મોટો દાવો કરતા કહ્યું છે કે, આગામી 24 કલાકમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક શાંતિ કરાર ફાઇનલ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ સમાચાર ભારે ચર્ચા જગાવી રહ્યા છે, કારણ કે અમેરિકા અને ઈરાનના અધિકારીઓએ પણ ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો હોવાના હકારાત્મક સંકેતો આપ્યા છે.

Continues below advertisement

શનિવારે (13 જૂન) પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, બંને દેશો આ ડીલની શરતો પર રાજી થઈ ગયા છે. તેમણે લખ્યું કે, "આપણે ઇતિહાસમાં એક મોટા શાંતિ કરારની ખૂબ જ નજીક છીએ. એવી પૂરી આશા છે કે આવતા 24 કલાકમાં જ તેને આખરી ઓપ આપી દેવામાં આવશે. આ ડીલ ફાઇનલ થતાં જ પાકિસ્તાન પણ ઇલેક્ટ્રોનિક રીતે આ કરાર પર હસ્તાક્ષર કરવાની તૈયારી કરી રહ્યું છે. જે પછી આવતા અઠવાડિયે ટેકનિકલ લેવલની વાતચીત શરૂ થશે."

Continues below advertisement

પોતાની પોસ્ટમાં શાહબાઝ શરીફે વધુમાં જણાવ્યું કે, "આ વાતચીત દરમિયાન અમેરિકા અને ઈરાને જે રીતે પોતાની પ્રતિબદ્ધતા નિભાવી છે તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. સાથે જ, અમને સાથ આપવા બદલ આસપાસના દેશોના અમારા ભાઈઓનો પણ દિલથી આભાર. અમને પૂરો વિશ્વાસ છે કે આ ઐતિહાસિક શાંતિ કરારથી આવનારા સમયમાં હંમેશ માટે શાંતિનો મજબૂત પાયો નંખાશે."

આ પણ વાંંચોઃ ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....

બીજી તરફ, આ ડીલ અંગે રોઇટર્સના રિપોર્ટમાં પણ મહત્વની માહિતી સામે આવી છે. શુક્રવારે (12 જૂન) અમેરિકા અને ઈરાને પણ એવા જ સંકેતો આપ્યા હતા કે શાંતિ કરાર હવે ગમે ત્યારે થઈ શકે છે અને તેઓ ડીલની એકદમ નજીક છે. અમેરિકાના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, બંને દેશો વચ્ચે ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે અને વોશિંગ્ટન આવનારા થોડા જ દિવસોમાં આ પ્રાથમિક કરાર પર સહી થવાની આશા રાખી રહ્યું છે.

આ બધાની વચ્ચે ઈરાન પણ પોતાની પીઠ થાબડી રહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ શુક્રવારે સ્પષ્ટ કર્યું કે કરારમાં હજુ પણ કેટલાક ફેરફાર થઈ શકે છે, પણ આ કામચલાઉ કરાર એ વાતની સાબિતી છે કે તેમનો દેશ આટલા મોટા સંઘર્ષ પછી પણ વધુ મજબૂત બનીને બહાર આવ્યો છે. તેમણે ગર્વથી કહ્યું કે, "અમેરિકા સાથેના આ યુદ્ધમાં આખરે ઈરાનની જ જીત થઈ છે."

આ પણ વાંચોઃ ઈરાને US હેલિકોપ્ટર તોડી પાડતા ટ્રમ્પ ભડક્યા: કહ્યું- 'અમે આનો જડબાતોડ જવાબ આપીશું'