'હું યુદ્ધ રોકવામાં માહેર છું', ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કર્યો ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવવાનો દાવો
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે આ નોબેલ પુરસ્કાર માટે કર્યું નથી. ટ્રમ્પે મધ્ય પૂર્વના પ્રવાસ દરમિયાન આ નિવેદન આપ્યું હતું

રવિવારે મોડી રાત્રે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો કે તેમણે વિશ્વના ઘણા જૂના વિવાદો ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ પણ સામેલ છે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે આ નોબેલ પુરસ્કાર માટે કર્યું નથી. ટ્રમ્પે મધ્ય પૂર્વના પ્રવાસ દરમિયાન આ નિવેદન આપ્યું હતું અને ગાઝા સંઘર્ષમાં તાજેતરમાં થયેલા યુદ્ધવિરામને તેમણે ઉકેલેલું તેમનું આઠમું યુદ્ધ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "આ મારું આઠમું યુદ્ધ હશે જે મેં ઉકેલ્યું છે. હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સંઘર્ષ ચાલી રહ્યો છે અને હું પાછો આવીશ ત્યારે તેને ઉકેલીશ. હું યુદ્ધો ઉકેલવામાં નિષ્ણાત છું."
ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, "ભારત અને પાકિસ્તાન વિશે વિચારો. કેટલાક યુદ્ધો 31, 32, અથવા 37 વર્ષ સુધી ચાલ્યા. લાખો લોકો મૃત્યુ પામ્યા અને મેં તેમાંથી મોટાભાગના એક દિવસમાં ઉકેલી નાખ્યા." તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે વેપાર અને ટેરિફ જેવા આર્થિક પગલાં દ્વારા કેટલાક સંઘર્ષો ઉકેલ્યા છે.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે, "ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવા માટે મેં તેમને કહ્યું હતું કે તમારી પાસે પરમાણુ શસ્ત્રો છે. જો તમે બંને યુદ્ધ કરશો તો હું તમારા પર 100 ટકા, 150 ટકા અને 200 ટકા ટેરિફ લાદીશ. મેં ટેરિફ લાદી દીધા અને 24 કલાકમાં તેનો ઉકેલ લાવી દીધો. જો ટેરિફ ન હોત તો આ યુદ્ધ ક્યારેય બંધ ન થયું હોત." જોકે, ભારતે સતત સ્પષ્ટતા કરી છે કે ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ થયેલા યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નહોતી.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમનો ધ્યેય નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાનો નહોતો. તેમણે કહ્યું હતું કે, "આમ કરવું મારા માટે સન્માનની વાત છે." કેટલાક લોકો કહે છે કે 2025માં ઘણી મહત્વપૂર્ણ બાબતો કરવામાં આવશે, પરંતુ મેં આ નોબેલ માટે નથી કર્યું, મેં આ જીવન બચાવવા માટે કર્યું."
ગાઝામાં યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે: ટ્રમ્પ
એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, "આ ખૂબ જ ખાસ સમય હશે." આ ક્ષણ માટે દરેક જણ ઉત્સાહિત છે." જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેમને વિશ્વાસ છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થઈ ગયો છે ત્યારે તેમણે કહ્યું, "યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે." તેમની મુલાકાતના મહત્વ પર ટ્રમ્પે કહ્યું હતું કે, "આ એક ખાસ ઘટના છે. સામાન્ય રીતે જો એક પક્ષ ખુશ હોય તો બીજો નથી. આ પહેલી વાર છે જ્યારે દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત અને રોમાંચિત થાય છે, અને તેનો ભાગ બનવું એ સન્માનની વાત છે. આપણે એક અદ્ભુત સમય પસાર કરવા જઈ રહ્યા છીએ અને તે પહેલા ક્યારેય ન હોય તેવી ક્ષણ હશે."
તેમણે કહ્યું, "દરેક વ્યક્તિ ખુશ છે, પછી ભલે તે યહૂદીઓ હોય, મુસ્લિમો હોય કે આરબ દેશો. ઇઝરાયલ પછી અમે ઇજિપ્ત જઈ રહ્યા છીએ અને અમે ખૂબ જ શક્તિશાળી અને મોટા દેશો અને ખૂબ જ શ્રીમંત દેશોના નેતાઓ સાથે મુલાકાત કરીશું, અને તેઓ બધા આ કરારમાં સામેલ છે."
ભારતે સ્પષ્ટપણે કોઈપણ ત્રીજા પક્ષની દખલગીરીનો ઇનકાર કર્યો છે.
નોંધનીય છે કે મે 2025માં જાહેર કરાયેલ યુદ્ધવિરામ ભારત અને પાકિસ્તાનના લશ્કરી નેતૃત્વ વચ્ચે સીધી વાતચીત પછી કોઈપણ તૃતીય પક્ષની મધ્યસ્થી વિના થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈ પણ દેશે ભારતને આતંકવાદ વિરોધી કાર્યવાહી બંધ કરવા વિનંતી કરી નથી. વિદેશ મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વેપાર અથવા ટેરિફ પરની ચર્ચાનો ઓપરેશન સિંદૂર સાથે કોઈ સંબંધ નથી.





















