અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના પુત્ર હંટર બાઇડનને ફેડરલ ગન કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. ડેલાવેયરની એક કોર્ટે હંટરને ડ્રગ સંબંધિત અન્ય બે કેસમાં પણ દોષિત ઠેરવ્યો છે. હંટર નશીલા પદાર્થોનું સેવન કરતા ગન રાખવા સંબંધિત ત્રણ કેસ ચાલી રહ્યા હતા. તેણે જ્યુરીની સામે પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસ કોઇ વર્તમાન રાષ્ટ્રપતિના સંતાન સાથે સંકળાયેલો આ પ્રથમ કેસ છે. ખાસ કરીને અમેરિકામાં ચૂંટણી સમયે હંટર બાઇડનને દોષિત ઠેરવવાથી જો બાઇડનની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.






જે ત્રણ કેસમાં હંટર બાઇડનને દોષિત ઠેરવવામાં આવ્યો છે, તેમાંથી બે કેસમાં 10 વર્ષથી વધુની જેલની સજા છે, જ્યારે ત્રીજા કેસમાં પાંચ વર્ષની સજા છે. ફેડરલ સજાની માર્ગદર્શિકાની ભલામણો અનુસાર, સજા ઘટાડવા અથવા વધારવી તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ પર છે. દરેક કેસમાં અંદાજે 2 લાખ 50 હજાર ડોલરના દંડની જોગવાઈ પણ છે. જો કે હંટરને ક્યારે સજા સંભળાવવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું નથી.






બાઇડનને તેમના પુત્રને માફ કરવાનો અધિકાર છે


રાષ્ટ્રપતિ જો બાઇડનને ત્રણ મામલામાં સજા માફ કરવાનો અધિકાર છે જેમાં બાઇડનના પુત્ર હંટર બાઇડનને દોષિત ઠેરવવામાં આવ્યો છે, પરંતુ તેમણે 6 જૂને મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં જાહેરાત કરી હતી કે તેઓ આવું નહીં કરે. જો કે, જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે બાઇડને કહ્યું હતું કે તે તેના પુત્રને પ્રેમ કરે છે અને તેના પર ગર્વ છે. કેસની સુનાવણી દરમિયાન જો બાઇડનની પત્ની જીલ બાઇડન કોર્ટમાં હાજર હતી.






હંટર બાઇડન પર આ આરોપો હતા


જે બે કેસમાં હંટર બાઇડનને દોષિત ઠેરવવામાં આવ્યો છે, તેમાંથી એક કેસમાં તેના પર એક ફોર્મમાં ખોટી માહિતી આપવાનો અને કોલ્ટ કોબ્રા રિવોલ્વર ખરીદવાનો આરોપ હતો. તેની સામે ત્રીજો કેસ એ હતો કે જ્યારે તે ડ્રગ્સનું સેવન કરતો હતો ત્યારે તેની પાસે બંદૂક હતી. હકીકતમાં અમેરિકામાં કોઈપણ બંદૂક ખરીદતી વખતે ખરીદનારને ફરજિયાત પ્રશ્ન પૂછવામાં આવે છે કે તે ડ્રગ એડિક્ટ છે કે નહીં. આ પ્રશ્નનો હંટરે ખોટો જવાબ આપ્યો હતો.


હંટરના વકીલે આ દલીલ કરી હતી


એનબીસી ન્યૂઝ અનુસાર હંટરના વકીલ એટર્ની એબે લોવેલે ટ્રાયલ દરમિયાન જણાવ્યું હતું કે હંટરે માત્ર આલ્કોહોલ પીધું હતું અને કોકેઈનનું સેવન કર્યું ન હતું. વકીલના જણાવ્યા અનુસાર, તેણે ગનના વેચાણ પહેલા અને પછીના મહિનાઓમાં ક્રેકનું સેવન કર્યું હતું પરંતુ ગન ખરીદતા સમયે તેને ડ્રગ્સની લત નહોતી. તેથી તેણે કોઈ ખોટી માહિતી આપી ન હતી. જો કે, ફરિયાદીઓએ હંટર બાઇડનના પુસ્તકોના અંશોનો ઉપયોગ કરીને આ દાવાને નકારી કાઢ્યો હતો, જેમાં તેણે દારૂ અને માદક દ્રવ્યોના વ્યસન સાથેના તેના સંઘર્ષની વિગતો આપી હતી.