US rejects Iran peace offer: પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા તણાવનો અંત આવવાની આશા હવે લગભગ ખતમ થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા મૂકવામાં આવેલા નવા શાંતિ પ્રસ્તાવને સીધો જ ફગાવી દીધો છે. ઈરાને યુદ્ધના નુકસાનનું વળતર અને આર્થિક પ્રતિબંધો હટાવવા જેવી શરતો રાખી હતી, જેને અમેરિકાએ માન્ય રાખી નથી. આ નિર્ણયની સીધી અસર વૈશ્વિક બજાર પર પડી છે અને હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્ર ધુની) ની નાકાબંધીના ભયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ઈરાને શું શરતો મૂકી હતી?

છેલ્લા 10 અઠવાડિયાથી ચાલી રહેલા આ સંઘર્ષને રોકવા માટે અમેરિકા તરફથી વાતચીતની ઓફર મળી હતી. જેના જવાબમાં રવિવારે ઈરાને પોતાની એક યોજના રજૂ કરી. આ યોજનામાં લેબનોનનો મુદ્દો પણ સામેલ હતો, જ્યાં ઈઝરાયલ સતત ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહ પર હુમલા કરી રહ્યું છે.

ઈરાને પોતાની શરતોમાં સ્પષ્ટ કહ્યું હતું કે:

યુદ્ધમાં થયેલા નુકસાનનું વળતર મળવું જોઈએ.

હોર્મુઝ સ્ટ્રેટ પર તેમના અધિકાર (સાર્વભૌમત્વ) ને માન્યતા મળવી જોઈએ.

અમેરિકન નૌકાદળ દ્વારા કરાયેલી નાકાબંધી હટાવવામાં આવે.

આર્થિક પ્રતિબંધો અને ઈરાનના તેલની નિકાસ પર લાગેલો પ્રતિબંધ દૂર કરવામાં આવે.

ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’

ટ્રમ્પે પ્રસ્તાવને "અસ્વીકાર્ય" ગણાવ્યો

પરંતુ, ઈરાનનો આ પ્રસ્તાવ મળ્યાના ગણતરીના કલાકોમાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને ફગાવી દીધો. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સ્પષ્ટ કહી દીધું કે આ શરતો "સંપૂર્ણપણે અસ્વીકાર્ય" છે. અમેરિકા ઈચ્છતું હતું કે પરમાણુ કાર્યક્રમ જેવા મુખ્ય મુદ્દાઓ પર વાતચીત થાય તે પહેલાં જ યુદ્ધ અટકી જાય. બીજી તરફ, ઈરાન પોતાની માંગણીઓને એકદમ વ્યાજબી ગણાવી રહ્યું છે. આ ખેંચતાણના કારણે પ્રાદેશિક કટોકટી હવે વધુ ઘેરી બની શકે છે.

તેલ બજારમાં ઉથલપાથલ અને દુનિયા પર ખતરો

શાંતિ મંત્રણા નિષ્ફળ જવાની સૌથી મોટી અસર દુનિયાના તેલ બજારને પડી છે. સોમવારે ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 4 ડોલરનો જંગી વધારો નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે, આખી દુનિયાના તેલ પુરવઠાનો લગભગ 20 ટકા (પાંચમા ભાગનો) હિસ્સો આ જ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. જો બંને દેશો વચ્ચે સમાધાન નહીં થાય અને ત્યાં નાકાબંધી ચાલુ રહેશે, તો માત્ર મધ્ય પૂર્વ જ નહીં પણ આખી દુનિયાના અર્થતંત્ર પર મોટું આર્થિક સંકટ આવી શકે છે.

આગામી 72 કલાક ખાસ: રશિયા-યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પની એન્ટ્રીથી આખું વિશ્વ ચોંકી ગયું!