ઈરાન-સીરિયા પછી હવે 82 ટકા હિંદુવાળા દેશ પર અમેરિકાની કાર્યવાહી: ૭૫૦૦ હિન્દુ નાગરિકોને દેશ છોડવાનો આદેશ!
ટ્રમ્પ વહીવટીતંત્રનો મોટો નિર્ણય: નેપાળ માટેનો ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ (TPS) રદ, ૨૦૧૫ના ભૂકંપ બાદ અપાઈ હતી સુરક્ષા.

US revokes Nepal TPS status: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને સીરિયા જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના નાગરિકો પર પ્રતિબંધ મૂક્યાના એક દિવસ પછી જ, ૮૨ ટકા હિન્દુ વસ્તી ધરાવતા નેપાળ માટેનો ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ (TPS) રદ કર્યો છે. આ નિર્ણયના કારણે લગભગ ૭૫૦૦ નેપાળી નાગરિકોને અમેરિકા છોડવું પડશે, જેઓ ભૂકંપ બાદ અમેરિકામાં કામચલાઉ સુરક્ષા હેઠળ રહી રહ્યા હતા.
TPS રદ થવા પાછળનું કારણ
ન્યૂઝવીકના અહેવાલ મુજબ, યુએસ સરકારનું કહેવું છે કે નેપાળમાં હવે ૨૦૧૫ જેવી સ્થિતિ નથી. ૨૦૧૫માં નેપાળમાં આવેલા ભયાનક ભૂકંપને કારણે તત્કાલીન યુએસ સરકારે નેપાળના નાગરિકોને આ TPS સુરક્ષા પૂરી પાડી હતી. TPS એવા વિદેશીઓને કામચલાઉ સુરક્ષા પૂરી પાડે છે જેમના દેશો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા હોય, જેથી તેઓ પોતાના દેશની પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી અમેરિકામાં રહી શકે અને કામ કરી શકે. જોકે, આ અંતર્ગત તેમને અમેરિકી નાગરિકતા મળતી નથી.
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી જ તેમણે કડક ઇમિગ્રેશન નીતિ અપનાવી છે અને આવા સુરક્ષા કવચોને સમાપ્ત કરવાના સંકેતો આપ્યા હતા. ૨૦૧૭ માં રાષ્ટ્રપતિ બન્યા પછી પણ તેઓ TPS સમાપ્ત કરવા માંગતા હતા, પરંતુ ઇમિગ્રેશન વિભાગના વિરોધને કારણે સફળ થઈ શક્યા ન હતા. ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે નેપાળમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવાથી હવે દેશનિકાલ સુરક્ષાનો કોઈ અર્થ નથી. TPS રદ થવાને કારણે, આ ૭૫૦૦ નેપાળી નાગરિકોને તાત્કાલિક તેમના દેશમાં પાછા ફરવું પડશે, અન્યથા યુએસ સરકાર તેમને બળજબરીથી નેપાળ પાછા મોકલી શકે છે.
૧૨ દેશો પર પ્રતિબંધ અને આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા
આ નિર્ણય પહેલાં, અમેરિકી રાષ્ટ્રપતિએ બે દિવસ પહેલા જ અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, લિબિયા, સોમાલિયા, સુદાન, સીરિયા અને યમન જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા ૧૨ દેશોના નાગરિકો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે આ દેશોમાં આતંકવાદ ફૂલીફાલી રહ્યો છે.
આ નિર્ણયો પર આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. અફઘાનિસ્તાન અને મ્યાનમાર જેવા દેશોએ ટ્રમ્પના નિર્ણય પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, જ્યારે આફ્રિકન દેશ ચાડે અમેરિકાના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. ચાડે અમેરિકન નાગરિકોના પોતાના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ચાડના વડાએ સ્પષ્ટપણે કહ્યું છે કે "આપણે આપણું આત્મસન્માન વેચીને અમેરિકા સાથે વાત કરી શકતા નથી." આ નિવેદન ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિ સામેના આંતરરાષ્ટ્રીય અસંતોષને ઉજાગર કરે છે.





















