નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની બીજી લહેરે (Coronavirus) ભારે તાંડવ મચાવી દીધુ છે. બેકાબૂ બનેલા વાયરસ દેશના દરેક રાજ્યમાં ફરીથી પોતાનો કેર વર્તાવી રહ્યો છે. જેને લઇને સંક્રમણ અને મોતનો આંકડો દરરોજ ઉંચકાઇ રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 36 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,14,188 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3915 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,31,507 લોકો ઠીક પણ થયા છે. દેશમાં આટલી ભયાકન સ્થિતિની વચ્ચે હવે વિદેશોમાંથી મદદ આવવાની શરૂ થઇ ગઇ છે. અમેરિકા, બ્રિટનથી લઇને નાના દેશો પણ ભારતમાં મેડિકલ સુવિધાઓ પુરી પાડવા માટે મદદ કરી રહ્યાં છે. અત્યાર સુધી જાણો ભારતમાં કોરોના સામે જંગ લડવા માટે શું શું મદદ આવી......


વિદેશમાંથી શું શું આવ્યુ.....


• ઓક્સિજન કન્સન્ટ્રેટર - 1,676
• વેન્ટિલેટર - 965
• ઓક્સિજન સિલિન્ડર - 1,799
• ઓક્સિજન સિલિન્ડર એડપ્ટર -20
• ઓક્સિજન જેનરેટિંગ પ્લાન્ટ - 1
• ઓક્સિજન થેરાપી ડિવાઇસ - 20
• બેડસાઇડ મૉનિટર - 150  
• BiPAPs, કવરઓલ, ગોગલ અને માસ્ક - 480
• પલ્સ ઓક્સિમીટર - 210
• રેપિડ ડાયગનૉસ્ટિક કિટ - 8,84,000
• N-95 ફેસ માસ્ક - 9,28,800
• રેમડેસિવિર - 1,36,000
• ઇલેક્ટ્રિક સીરિંઝ પમ્પ - 200
• AFNOR/BS ફ્લેક્સિબલ ટ્યૂબ - 28
• એન્ટી બેક્ટેરિયલ ફિલ્ટર - 500
• મશીન ફિલ્ટર અને પેશન્ટ સર્કિટ - 1000


આ બધાની વચ્ચે સરકારે કહ્યું - ભારતમાં કોરોનાની બીજી લહેર તબાહી મચાહી રહી છે. આ તબાહી માટે ડબલ મ્યૂટેન્ટ જ જવાબદાર છે. થોડાક દિવસો પહેલા WHOએ જણાવ્યુ હતુ કે ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટ સૌથી પહેલા ભારતમાં મળી આવ્યો હતો, જે હવે ઓછામાં ઓછો 17 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. દેશભરમાં અત્યાર સુધી કૉવિડ રસીકરણમાં 16,48,76,248 કરોડ ડૉઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ગુરુવારે સાંજે 8 વાગ્યા સુધી 18-44 આયુ વર્ગના 2.62 લાખથી વધુ લાભાર્થીઓને વેક્સિનનો ડૉઝ આપવામાં આવી ચૂક્યો છે. 


કયા કયા દેશમાંથી આવી રહી છે મદદ.....


નેધરલેન્ડ
નેધરલેન્ડમાંથી 449 વેન્ટિલેટર્સ, 100 કન્સન્ટ્રેટર્સ અને અન્ય મેડિકલ સપ્લાય લાવનારી એક ફ્લાઇટ્સ આજે સવારે ભારત પહોંચી ચૂકી છે. વિદેશ મંત્રાલયે કહ્યું- આગામી થોડાક દિવસોમાં બાકી મેડિકલ ઉપકરણ જહાજથી મોકલવામાં આવશે. 


સ્વિત્ઝર્લેન્ડ 
સ્વિત્ઝર્લેન્ડમાંથી લગભગ 600 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ, 50 વેન્ટિલેયર્સ અને અન્ય મેડિકલ સપ્લાય લઇને એક ફ્લાઇટ આજે સવારે ભારત પહોંચી છે. 


બ્રિટન
આ પહેલા 4 મેએ ઇન્ડિયન એરફોર્સની ફ્લાઇટ બ્રિટનથી ઓક્સિજન સિલિન્ડર લઇને આવી, આ ફ્લાઇટ્સ ચેન્નાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી.


અમેરિકા 
અમેરિકામાંથી કેટલીય વસ્તુઓ આવી રહી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ જણાવ્યુ કે- અત્યાર સુધી ભારતમા માટે છ વિમાનો દ્વારા મદદ મોકલવામા આવી છે.  આમા ઓક્સિજન, ઓક્સિજન સપ્લાય, N95 માસ્ક, ટેસ્ટ કિટ અને દવાઓ સામેલ છે. તેમને જણાવ્યુ કે, ભારત સરકારના અનુરોધ પર અમેરિકન મદદનો જથ્થો ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટીને સોંપવામાં આવ્યો છે.


કેટલાક બીજા દેશો પણ કરી રહ્યાં છે મદદ.....
ભારતમાં 3 મે સુધી 14 દેશોમાંથી ઇમર્જન્સી સપ્લાય મળી ચૂકી છે, જેમાં યુકે, મૉરેશિયસ, સિંગાપુર, રશિયા, યુએઇ, આયરલેન્ડ, રોમાનિયા, થાઇલેન્ડ, અમેરિકા, જર્મની, ઉજબેકિસ્તાન, ફ્રાન્સ, ઇટાલી અને બેલ્જિયમ સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લવ અગ્રવાલનુ કહેવુ છે કે હજુ અમે તમામ પ્રકારની સપ્લાય લઇ રહ્યાં છીએ, જલ્દી જ ભારતમાં આનુ વિતરણ શરૂ થશે.