Chinese Boy Jump: ઈસ્ટ ચાઈનાના અનહુઈ પ્રાંતમાં 25 જૂનના રોજ એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક બાળકે તેની માતાના મારથી બચવા માટે એપાર્ટમેન્ટના 5મા માળેથી કૂદકો લગાવ્યો હતો. આ પછી ચીનમાં સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટનાને લઇને પ્રતિક્રિયા આપી હતી. આ ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ દેશમાં મજબૂત બાળ સુરક્ષા કાયદો બનાવવાની માંગ કરી હતી.






સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, ઘરની અંદર લાકડી વડે માર માર્યા બાદ એક 6 વર્ષનો છોકરો બિલ્ડિંગની બહાર એસી યુનિટ પર ચઢી ગયો અને પાંચમા માળેથી કૂદી ગયો હતો. આ ઘટનાનો વીડિયો બનાવનારા લોકોએ માતાને બાળકને ન મારવાની વિનંતી કરી હતી પરંતુ મહિલાએ તેના બાળકને માર મારવાનું ચાલુ રાખ્યું હતુ. પરિણામે મારથી બચવા માટે બાળકે બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી દીધી હતી.


વીડિયોને 10 મિલિયન વ્યૂઝ મળ્યા


સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે જણાવ્યું કે બાળકનો છલાંગ લગાવતા વીડિયોને ચીનની લોકપ્રિય સોશિયલ મીડિયા સાઇટ વીબો પર 10 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. જોકે રાહતની વાત એ હતી કે બાળકનો આબાદ બચાવ થયો હતો. જોકે, બાળકના ઘણા હાડકાં તૂટી ગયા હતા. બાળકે છલાંગ લગાવ્યા બાદ ત્યાં હાજર લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. પોલીસે બાદમાં વીબો પોસ્ટમાં જણાવ્યું હતું કે માતાએ બાળકને ઘરની અંદર આવવા કહ્યું હતું પરંતુ જ્યારે તે રાજી ન થયો તો તેણે તેને મારવાનું શરૂ કર્યું હતું.


'માતાથી ડરતો હતો'


રિપોર્ટ અનુસાર,  એક વીબો યુઝર્સે કહ્યું કે તે કૂદવા કરતાં તેની માતાથી વધુ ડરતો હતો. લોકો પહેલેથી જ બૂમો પાડી રહ્યા હતા, 'તેને મારવાનું બંધ કરો' અને માતા હજુ પણ અટકી ન હતી. આઉટલેટને ટાંકીને માહિતી આપવામાં આવી હતી કે છોકરાનું નામ યાન છે. તેના પિતા બીજા શહેરમાં કામ કરે છે અને તે તેની માતા સાથે રહે છે.