રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ઓછો થતો જણાતો નથી. રશિયા પર વિવિધ પ્રતિબંધો બાદ હવે વધુ એક આર્થિક પ્રતિબંધ લાગ્યો છે. હવે રશિયાના કાર્ડ યુઝર્સ માટે મોટી સમસ્યા ઉભી થઈ છે. રશિયન બેંકો દ્વારા આપવામાં આવતી વિઝા અને માસ્ટરકાર્ડની સેવાઓ બંધ થઈ ગઈ છે. આમાં બંને કંપનીઓએ ઘણા મોટા નિર્ણયો લીધા છે જે આવનારા સમયમાં રશિયન નાગરિકો માટે મુશ્કેલી સર્જી શકે છે. બંને કંપનીઓએ રશિયન બેંકો દ્વારા જાહેર  કરાયેલા તમામ કાર્ડને દેશની બહાર ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે, હવે કોઈપણ રશિયન બેંકનું કાર્ડ દેશની બહાર કામ કરશે નહીં.






કંપનીએ તેના નિવેદનમાં કહ્યું છે કે તેના દ્વારા લાદવામાં આવેલા તમામ નિયંત્રણો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. વિઝાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આ પ્રતિબંધો આજથી લાગુ થશે. રશિયન બેંકો દ્વારા જાહેર  કરાયેલ કોઈપણ કાર્ડ દેશની બહાર કામ કરશે નહીં. આ સાથે જ  રશિયામાં આવીને અન્ય કોઈપણ દેશના કાર્ડનો ઉપયોગ કરી શકાતો નથી. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ તમામ પ્રતિબંધો યુક્રેન પર રશિયાના કઠોર વર્તનને ધ્યાનમાં રાખીને લેવામાં આવી રહ્યા છે.


યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને માસ્ટરકાર્ડે પણ આવો જ નિર્ણય લીધો છે. માસ્ટરકાર્ડે સ્પષ્ટ કર્યું છે કે રશિયાની બહારથી જાહેર  કરાયેલ કોઈપણ કાર્ડનો રશિયામાં ઉપયોગ કરી શકાશે નહીં. કંપનીએ રશિયાની ઘણી આર્થિક સંસ્થાઓને બ્લોક કર્યા બાદ આ નિર્ણય લીધો છે. બેંક ઓફ રશિયાએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, 'વિઝા અને માસ્ટરકાર્ડ દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો રશિયામાં ઉપયોગમાં લેવાતા કાર્ડને અસર કરશે નહીં. Sberbank ના વિઝા અને માસ્ટરકાર્ડ પહેલેથી જ આંતરરાષ્ટ્રીય ચુકવણીઓ માટે ખૂબ મર્યાદિત હતા.