Israel Iran War: અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનરના ક્રેશ બાદ બોઇંગ વિમાનોની સલામતી પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. 12 જૂન પહેલા પણ બોઇંગ વિમાનો મોટા અકસ્માતોનો ભોગ બન્યા છે. હવે બોઇંગનું બીજું એક ઉત્પાદન જેણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે તે છે બૉઇંગ બૉમ્બ.

ધ ઇકોનોમિક્સ ટાઇમ્સના એક અહેવાલ મુજબ, બૉઇંગ બૉમ્બ લગભગ બે દાયકા પહેલા યુએસ એરફોર્સ માટે બનાવવામાં આવ્યો હતો. ઇઝરાયેલ-ઈરાન યુદ્ધમાં બૉઇંગ બૉમ્બની ચર્ચા થઈ રહી છે કારણ કે તેનો ઉપયોગ ઈરાનના પરમાણુ સ્થળોને ઉડાવી દેવા માટે થઈ શકે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામેની લડાઈમાં ખુલ્લેઆમ ઇઝરાયેલને ટેકો આપી રહ્યા છે, જેના કારણે આ યુદ્ધમાં બોઇંગનો ઉપયોગ થવાની ચર્ચા થઈ રહી છે.

ઇઝરાયલનું કહેવું છે કે તેણે ઇરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા રોકવા માટે આ હુમલો કર્યો છે. હુમલા ખાસ કરીને એવા વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા જે ઇરાનના મોટા પરમાણુ પ્લાન્ટ માનવામાં આવે છે, જેમ કે નતાન્ઝ અને ઇસ્ફહાન અને આગામી લક્ષ્ય ફોર્ડો છે. ઇઝરાયલ જાણે છે કે જો ઇરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવા હોય, તો તેહરાનથી 125 કિલોમીટર દૂર કોમ શહેર નજીક પર્વતમાં લગભગ 300 ફૂટની ઊંડાઈએ બનેલા ફોર્ડો ફ્યુઅલ એનરિચમેન્ટ પ્લાન્ટને નષ્ટ કરવો પડશે.

ઇઝરાયલ માટે ફોર્ડો પ્લાન્ટ પર હુમલો કરવો એટલો સરળ નથી. ફોર્ડો પ્લાન્ટને નષ્ટ કરવા માટે ઇઝરાયલને જે શસ્ત્રોની જરૂર છે તે તેના શસ્ત્રાગારમાં હાજર નથી, તેથી બોઇંગ બોમ્બની ચર્ચા થઈ રહી છે. બોઇંગ બોમ્બ યુએસ એરફોર્સના સૌથી ખતરનાક શસ્ત્રોની યાદીમાં સામેલ છે. બોઇંગનું GBU-57 A/B મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) બંકર બસ્ટર તરીકે ઓળખાય છે.

2003 માં, અમેરિકાએ એક શક્તિશાળી બંકર બસ્ટર ખરીદવાનો નિર્ણય લીધો જે ઊંડાણમાં પ્રવેશ કરી શકે અને લક્ષ્યોને નષ્ટ કરી શકે. યુએસ ડિફેન્સ થ્રેટ રિડક્શન એજન્સીએ તેની શરૂઆત કરી અને બોઇંગને તેની ડિઝાઇન અને ઉત્પાદનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો.

બૉઇંગના બૉમ્બની શક્તિ કેટલી છે ? GBU-57 A/B મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર અમેરિકાની અત્યાધુનિક બંકર બસ્ટિંગ ટેકનોલોજી પર કામ કરે છે. તેનું વજન 30,000 પાઉન્ડ એટલે કે 13,600 કિલોગ્રામ છે અને તેની લંબાઈ 20.5 ફૂટ છે, જે જમીનની નીચે જઈને પણ ભૂગર્ભ લક્ષ્યોને નષ્ટ કરી શકે છે. તેનું વજન એટલું બધું છે કે તેને ફક્ત B-2 સ્પિરિટ જેવા અમેરિકાના બોમ્બર્સમાં જ ફીટ કરી શકાય છે.

બૉઇંગ બૉમ્બની શક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે ૧૩૦ ફૂટ સુધીના ખડકને ભેદી શકે છે, જ્યારે તેમાં ૨૦૦ ફૂટ સુધી કોંક્રિટની સપાટીને ભેદવાની ક્ષમતા છે. તેમાં સ્થાપિત GPS તેને લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરે છે.