Mysterious Woman Often Seen Behind Vladimir Putin : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નવા વર્ષ પર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેની પાછળ ઉભેલી એક મહિલાએ સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું. આ રહસ્યમય મહિલા પુતિન સાથે અવાર નવાર જોવા મળે છે. સૌથી મોટી વાત એ છે કે આ મહિલા દર વખતે પુતિન સાથે અલગ-અલગ રોલમાં જોવા મળી છે. તાજેતરની તસવીરમાં આ મહિલા મિલિટરી ડ્રેસમાં જોવા મળી હતી. અગાઉ આ મહિલા પુતિન સાથે નાવિકનો ડ્રેસ પહેરીને બોટમાં જોવા મળી હતી. તો અન્ય ફોટામાં મહિલા રશિયન ઓર્થોડોક્સ ચર્ચમાં નામકરણ સમારોહ દરમિયાન પુતિનની પાછળ ઉભેલી જોવા મળી હતી. જેથી આ મહિલાને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે.
નવા વર્ષના સંબોધનમાં મિલિટરી ડ્રેસમાં જોવા મળતી મહિલા
1 જાન્યુઆરી, 2023 ના રોજ તેમના વાર્ષિક નવા વર્ષના સંબોધન દરમિયાન પુતિનની પાછળ 20 રશિયન સૈનિકો હતા જેઓ યુક્રેનના યુદ્ધમાં લડ્યા હતા. આ 20 સૈનિકોમાં તે રશિયન મહિલા પણ સામેલ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ એ જ સૈનિકો છે જેમને યુદ્ધમાં અસાધારણ બહાદુરી બતાવવા બદલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પુતિને આ દરમિયાન કહ્યું હતું કે, તેમના દેશ પર યુદ્ધ થોપવામાં આવ્યું છે. પશ્ચિમી દેશે રશિયા પર કાં તો બધું સમર્પણ કરવા અથવા લડવા માટે દબાણ કર્યું હતું. આ સ્થિતિમાં તેમણે રશિયાની સુરક્ષા માટે યુક્રેનમાં સેના મોકલવાનું નક્કી કર્યું. પુતિને પાછળ ઉભેલા આ 20 સૈનિકોના વખાણ કર્યા હતાં અને કહ્યું હતું કે, જ્યાં સુધી અમારી પાસે તમારા જેવા લોકો છે... નિશ્ચિત રૂપે કંઈ જ છોડી શકાય નહીં.
એક ચર્ચ અને નાવિક તરીકે જોવા મળી
અન્ય એક વિડિયોમાં મહિલા પુતિનની સાથે નાવિક તરીકે દેખાઈ હતી. આ દરમિયાન વ્લાદિમીર પુતિન પણ તે ફિશિંગ બોટ પર હાજર હતા. આ મહિલા વોટરપ્રૂફ જેકેટ પહેરીને તે બોટ પર પુતિનની બરાબર બાજુમાં ઉભેલી જોવા મળી હતી. આ પહેલા પણ આ મહિલા અનેકવાર જોવા મળી હતી. આ મહિલા ત્રીજી વખત ચર્ચમાં પ્રાર્થના દરમિયાન પણ જોવા મળી હતી. તે દરમિયાન તેણીએ સફેદ સ્કાર્ફ જેવા કપડાથી માથું ઢાંક્યું હતું. તે મહિલાની સાથે અન્ય ઘણા લોકો પણ પુતિનની પાછળ ઉભા રહીને ફોટોગ્રાફ્સ લેતા જોવા મળ્યા હતા.
કોણ છે આ રહસ્યમય મહિલા
ઇન્ટરનેટ પર ઘણા લોકોએ આ રહસ્યમય મહિલાની ઓળખ લારિસા સેર્ગુખિના તરીકે કરી છે. લારિસા સેર્ગુખિના પ્રાદેશિક ડુમા કમિશનના સભ્ય છે. જો કે, અન્ય કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે મહિલા એક અભિનેત્રી છે જેને આવા શૂટ માટે ખાસ બોલાવવામાં આવે છે. ઘણા યુઝર્સે આરોપ લગાવ્યો છે કે, પુતિન પોતાને પાવરફુલ દેખાડવા માટે પેઇડ એક્ટર્સનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, 1 જાન્યુઆરીના રોજ પુતિનના સંબોધન દરમિયાન સૈન્ય ડ્રેસમાં પાછળ ઉભેલા લોકો પણ કલાકારો હતા.