સમુદ્રનો રાજા કોણ? આ 14 દેશ...જેમની પાસે છે તબાહી મચાવવાની તાકાત, લીસ્ટમાં ભારત કયા?
World Aircraft Carrier: 2026 માં કુલ 14 દેશો પાસે વિમાનવાહક જહાજો છે, જેમાં પરંપરાગત વિમાનવાહક જહાજોથી લઈને પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજો અને કેટોબારનો સમાવેશ થાય છે. કેટલાક હેલિકોપ્ટર અથવા STOVL વિમાનો વહન કરે છે.

World Aircraft Carrier 2026: રક્ષણ ક્ષેત્રે અમેરિકા પોતાની બાદશાહત બતાવવાનો પ્રયાસ કરે છે, જે માત્ર હવામાં જ નહીં પણ સમુદ્રમાં પણ સ્પષ્ટ દેખાય છે. જ્યારે નૌકાદળની શક્તિની વાત આવે છે, ત્યારે અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનીને ઉભરે છે. હાલમાં જ અમેરિકાએ તેનું મજબૂત એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન (CVN-72) અરબ સાગરમાં તૈનાત કર્યું છે, જ્યારે વિશ્વનું સૌથી એડવાન્સ કેરિયર USS ગેરાર્ડ આર. ફોર્ડ (CVN-78) પણ મધ્ય પૂર્વ મોકલવાની તૈયારી ચાલી રહી છે. વર્ષ 2026 માં વિશ્વના કુલ 14 દેશો પાસે એરક્રાફ્ટ કેરિયર્સ છે. આ જહાજો સમુદ્રમાં શક્તિ પ્રદર્શન, યુદ્ધ, કટોકટી પ્રતિભાવ અને માનવીય સહાયમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
1. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (11 કેરિયર્સ)
અમેરિકન નૌકાદળની ક્ષમતાનો કોઈ મુકાબલો નથી. તેની પાસે નિમિત્ઝ-ક્લાસ અને ફોર્ડ-ક્લાસના ન્યુક્લિયર પાવર્ડ સુપરકેરિયર્સ છે. આ જહાજો F/A-18E/F, F-35C જેવા આધુનિક ફાઈટર જેટ્સ લોન્ચ કરી શકે છે. અમેરિકાનું કુલ 'ડેક સ્પેસ' બાકીની આખી દુનિયા કરતા બમણાથી વધુ છે, જે તેને સમુદ્રી બાદશાહ બનાવે છે.
2. ચીન (3 કેરિયર્સ)
ચીન પાસે હાલમાં લિયાઓનિંગ, શેનડોંગ અને ફુજિયન નામના ત્રણ કેરિયર્સ છે. ફુજિયન ચીનનું સૌથી એડવાન્સ કેરિયર છે જેમાં મેગ્નેટિક લોન્ચિંગ સિસ્ટમ છે. ચીન ઝડપથી તેના કાફલાનો વિસ્તાર કરી રહ્યું છે અને તેનો ઉપયોગ દક્ષિણ ચીન સાગરમાં વર્ચસ્વ જાળવવા કરે છે.
3. યુનાઈટેડ કિંગડમ (2 કેરિયર્સ)
યુકે પાસે ક્વીન એલિઝાબેથ-ક્લાસના બે જહાજો છે: HMS ક્વીન એલિઝાબેથ અને HMS પ્રિન્સ ઓફ વેલ્સ. આ જહાજો F-35B લાઈટનિંગ II ફાઈટર જેટ્સ લઈ જવા માટે સક્ષમ છે અને નાટો (NATO) ઓપરેશન્સમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
4. ભારત (2 કેરિયર્સ)
ભારત પાસે INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત નામના બે STOBAR કેરિયર્સ છે.
-
INS વિક્રમાદિત્ય: રશિયા પાસેથી ખરીદેલું અને મોડિફાઈડ કરેલું જહાજ છે.
-
INS વિક્રાંત: ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે, જે કોચીન શિપયાર્ડમાં બન્યું છે. આ જહાજો મિગ-29K ફાઈટર જેટ્સ અને કામોવ-31 હેલિકોપ્ટરથી સજ્જ છે. ભારત હિંદ મહાસાગરમાં પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખે છે.
5. ઇટાલી (1 કેરિયર + 1 LHD)
ઇટાલી પાસે કાવોર (Cavour) કેરિયર અને ટ્રાયસ્ટે (Trieste) નામનું LHD છે. આ જહાજો F-35B ફાઈટર જેટ્સ લોન્ચ કરી શકે છે, જે ઇટાલીની નૌકાદળને મેડિટેરેનિયન સમુદ્રમાં મજબૂતી આપે છે.
6. જાપાન (2 કેરિયર્સ - પરિવર્તન હેઠળ)
જાપાન તેના ઇઝુમો-ક્લાસના બે જહાજો, ઇઝુમો અને કાગાને એરક્રાફ્ટ કેરિયરમાં બદલી રહ્યું છે. રૂપાંતર પછી, તેઓ F-35B જેવા શોર્ટ ટેકઓફ એરક્રાફ્ટ લોન્ચ કરી શકશે.
7. દક્ષિણ કોરિયા (1 જહાજ)
દક્ષિણ કોરિયા પાસે ડોકડો-ક્લાસ એમ્ફીબિયસ એસોલ્ટ શિપ છે, જે હાલમાં માત્ર હેલિકોપ્ટર માટે વપરાય છે. ભવિષ્યમાં તેમાં ફાઈટર જેટ્સ સામેલ કરવાની યોજના છે.
8. સ્પેન (1 કેરિયર)
સ્પેન પાસે જુઆન કાર્લોસ I નામનું કેરિયર છે, જે હેરિયર II ફાઈટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરથી સજ્જ છે. તે સ્પેનિશ નૌકાદળનું મુખ્ય જહાજ છે.
9. થાઈલેન્ડ (1 કેરિયર)
થાઈલેન્ડ પાસે ચક્રી નારુબેટ નામનું નાનું કેરિયર છે. અગાઉ તે ફાઈટર જેટ્સ લોન્ચ કરતું હતું, પરંતુ હવે તેનો ઉપયોગ મુખ્યત્વે હેલિકોપ્ટર અને આપત્તિ વ્યવસ્થાપન માટે થાય છે.
10. તુર્કિયે (1 કેરિયર)
તુર્કિયે પાસે TCG અનાડોલુ નામનું જહાજ છે. આ જહાજ મુખ્યત્વે હેલિકોપ્ટર અને ડ્રોન્સ (UAVs) માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
11. રશિયા (1 કેરિયર)
રશિયા પાસે માત્ર એક જ કેરિયર છે - એડમિરલ કુઝનેત્સોવ. જોકે, આ જહાજ 2017 થી સમારકામ (Rifit) હેઠળ છે અને તેની યાંત્રિક સમસ્યાઓને કારણે તે ક્યારે ફરી કાર્યરત થશે તે અનિશ્ચિત છે.
12. ફ્રાન્સ (1 કેરિયર)
ફ્રાન્સ પાસે ચાર્લ્સ ડી ગોલ નામનું ન્યુક્લિયર પાવર્ડ કેરિયર છે. અમેરિકા સિવાય ફ્રાન્સ એકમાત્ર દેશ છે જેની પાસે પરમાણુ સંચાલિત એરક્રાફ્ટ કેરિયર છે. તે રાફેલ M ફાઈટર જેટ્સ લોન્ચ કરવામાં સક્ષમ છે.
13. ઇજિપ્ત (2 કેરિયર્સ)
ઇજિપ્ત પાસે મિસ્ટ્રલ-ક્લાસના બે LHD છે: ગમલ અબ્દેલ નાસર અને અનવર અલ સાદાત. આ જહાજો મુખ્યત્વે એટેક અને એન્ટી-સબમરીન હેલિકોપ્ટર લોન્ચ કરવા માટે વપરાય છે.
14. ઓસ્ટ્રેલિયા (2 કેરિયર્સ)
ઓસ્ટ્રેલિયા પાસે HMAS કેનબેરા અને HMAS એડિલેડ નામના બે LHD છે. તેનો ઉપયોગ મુખ્યત્વે હેલિકોપ્ટર ઓપરેશન્સ અને માનવીય સહાય માટે કરવામાં આવે છે.
આ જહાજો ન માત્ર લડાઇ શક્તિમાં વધારો કરે છે, પરંતુ રાજદ્વારી, આપત્તિ રાહત અને આંતરરાષ્ટ્રીય સહયોગમાં પણ મદદ કરે છે. કુલ મળીને, 2026 માં વિશ્વમાં આવા લગભગ 25-30 જહાજો હશે, પરંતુ એકલા યુનાઇટેડ સ્ટેટ્સ જ બાકીના વિશ્વ કરતાં વધુ શક્તિશાળી છે.























