ઈસ્લામાબાદ: પોતાના ભાષણોથી નફરત ફેલાવવા બદલ ઘણા દેશોમાં પ્રતિબંધિત ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક આ દિવસોમાં પાકિસ્તાનમાં છે. ઝાકિર નાઈક પાકિસ્તાનના સરકારી મહેમાન તરીકે પાકિસ્તાનમાં લેક્ચર આપી રહ્યો છે. આ લેક્ચરમાં તે ઘણીવાર અન્ય ધર્મો વિશે ખોટા નિવેદનો આપીને લોકોમાં નફરત ફેલાવે છે. આ વખતે તેણે મુસ્લિમ મહિલાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના કારણે લોકો ગુસ્સે થયા હતા. તેણે મુસ્લિમ મહિલાઓના નિકાહને લઇને ખૂબ જ ખરાબ નિવેદન આપ્યું છે જેનો પાકિસ્તાનના લોકોએ પણ વિરોધ શરૂ કરી દીધો છે.






નાઈકે મહિલાઓના નિકાહ પર શું આપ્યું નિવેદન 


પાકિસ્તાનમાં એક લેક્ચર દરમિયાન ઝાકિર નાઈકને પૂછવામાં આવ્યું કે જો કોઈ મહિલાને નિકાહ કરવા માટે યોગ્ય પુરુષ જીવનસાથી ન મળે તો તેણે શું કરવું જોઈએ. આના પર ઝાકિર નાઈકે ખૂબ જ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. ઝાકિર નાઇકના આ નિવેદનનો તમામ લોકો વિરોધ કરશે. તેણે મહિલાઓ માટે મધ્યકાલીન યુગનો રસ્તો બતાવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાદ કૈસર નામના પાકિસ્તાની એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે.


અપરિણીત મહિલાઓને પબ્લિક પ્રોપર્ટી ગણાવી


ઝાકિર નાઈકે કહ્યું હતું કે, 'જો કોઈ મહિલાને નિકાહ કરવા માટે પુરુષ મળતો નથી તો તેની પાસે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ એવા પુરુષ સાથે લગ્ન કરવાનો છે કે જે અગાઉથી જ પરિણીત છે અથવા તો વેશ્યા બની જાય તેણે આગળ અપરિણીત મહિલાની સરખામણી ‘પબ્લિક પ્રોપર્ટી’ સાથે કરી અને કહ્યું કે આવી મહિલાઓ માટે મારી પાસે આનાથી વધુ સારો શબ્દ નથી.


ઝાકિર નાઈક આટલેથી જ અટક્યો નહોતો. તેણે આગળ કહ્યું હતું કે  'જો તમે કોઈ સારી મહિલાને પૂછશો કે તને નિકાહ માટે એવો પુરુષ મળતો નથી જે અપરિણીત છે અને બે વિકલ્પ તારી પાસે છે. એવા પુરુષ સાથે નિકાહ કરો જે અગાઉથી જ પરિણીત છે અથવા તો તમે વેશ્યા બનો. તો કોઈપણ સારી સ્ત્રી કહેશે કે હું પહેલો વિકલ્પ પસંદ કરું છું.


વિરોધમાં પાકિસ્તાનીઓ


પાકિસ્તાનીઓ જ ઝાકિર નાઈકની મહિલાઓ પર અપમાનજનક ટિપ્પણીનો વિરોધ કરી રહ્યા છે. વીડિયો શેર કરતા સાદ કૈસરે લખ્યું હતું કે ઝાકિર નાઈક સતત વાંધાજનક નિવેદનો આપી રહ્યા છે. તેને કોણે બોલાવ્યો? મહેરબાની કરીને હવે પછી આવા અભણ લોકોને આમંત્રિત કરશો નહીં. ફૌઝિયા નામના યુઝરે લખ્યું, શું તેમનો મતલબ છે કે જે પણ મહિલા નિકાહ કરવા નથી માંગતી તે પબ્લિક પ્રોપર્ટી છે? આ વ્યક્તિને ધાર્મિક વિદ્ધાન તો દૂર એક સભ્ય વ્યક્તિ કેવી રીતે ગણી શકાય? આ તાલિબાની માનસિકતાનો લાગે છે.