Wrestlers Protest: ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ દિલ્હી પોલીસ સમક્ષ હાજર થયા અને મહિલા રેસલર્સના શારિરીક શોષણના કેસમાં તેનું નિવેદન લેવામાં આવ્યું છે.


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ, જેઓ પર મહિલા રેસલર્સનું યૌન શોષણનો આરોપ છે, તે દિલ્હી પોલીસ સમક્ષ હાજર થયા હતા. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણનું નિવેદન નોંધ્યું છે. આ સાથે તેમની પાસેથી કેટલાક દસ્તાવેજો પણ માંગવામાં આવ્યા છે. ફરી જરૂર પડશે તો ફરી નિવેદનો નોંધવામાં આવશે.


સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિજ ભૂષણ શરણ સિંહે પોલીસને આપેલા નિવેદનમાં પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યાં હતા.


SIT સમક્ષ નિવેદન નોંધાયું


બ્રિજભૂષણ શરણ સિંહે દિલ્હી પોલીસની SIT સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું  છે. દિલ્હી પોલીસે મહિલા કુસ્તીબાજના આરોપોની તપાસ માટે મહિલા DCPની દેખરેખ હેઠળ 10 સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિજ ભૂષણનું બે વખત નિવેદન નોંધવામાં આવ્યું છે. બ્રિજભૂષણ શરણના તેના સ્પષ્ટીકરણમાં કેટલાક વીડિયો પુરાવા અને મોબાઈલ ડેટા સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે. બહુ જલ્દી SIT બ્રિજ ભૂષણની ફરી પૂછપરછ કરી શકે છે.


ઘણા રાજ્યોમાંથી પુરાવા એકત્ર કર્યા


દિલ્હી પોલીસની ટીમ કુસ્તીબાજોની ફરિયાદ પર પુરાવા એકત્ર કરવા ઉત્તર પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, હરિયાણામાં ગઈ હતી. દિલ્હી પોલીસ દેશની બહાર લગાવવામાં આવેલા આરોપોને લઈને સંબંધિત એજન્સીઓના સંપર્કમાં છે.


બ્રિજભૂષણ શરણ સિંહ ઉપરાંત રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે,  મહિલાની ફરિયાદ પર નોંધાયેલી દિલ્હી પોલીસની એફઆઈઆરમાં વિનોદ તોમર પણ આરોપી છે.


બ્રિજભૂષણ પર શું છે આરોપ?


ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર 7 મહિલા રેસલર્સે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ કુસ્તીબાજોની ફરિયાદ પર દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતોમાં એક સગીર પણ છે, જેના કેસમાં સિંઘ સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ વિરુદ્ધ પોલીસ એફઆઈઆર નોંધાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું.


તે જ સમયે, બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગને લઈને દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોનો વિરોધ ચાલુ છે. વિનેશ ફોગટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત દેશના જાણીતા કુસ્તીબાજો 23 એપ્રિલથી ધરણા પર બેઠા છે. કુસ્તીબાજોનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ઉઠશે નહીં.