IND Vs AUS: આવતીકાલથી પ્રથમ ટેસ્ટ, પ્લેઇંગ ઇલેવનમાં આ 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા
ખરાબ ફોર્મમાં હોવા છતાં પૃથ્વી શૉ મયંક અગ્રવાલ સાથે ઓપનિંગ કરી શકે છે. ત્રીજા ક્રમે પુજારા, ચોથા ક્રમે કોહલી અને પાંચમા ક્રમે રહાણેનું રમવું નિશ્ચિત છે. હનુમા વિહારીને છઠ્ઠા ક્રમે ઓલરાઉન્ડર તરીકે મોકો અપાશે. તે સ્પિન બોલિંગમાં અશ્વિનનો સાથ આપશે. પ્રેક્ટિસ મેચમાં શાનદાર સદી ફટકારનારા પંતે બહાર બેસવું પડી શકે છે. સાહાનું વિકેટકિપિંગ પંત કરતાં અનેક ગણું સારું હોવાથી તે ટીમમાં સ્થાન મેળવવાનો પ્રબળ દાવેદાર છે.
ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ સેશન દરમિયાન મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ અને હનુમા વિહારીને બોલિંગની પ્રેક્ટિસ કરાવી છે. પૃથ્વી શૉએ આશે 40 મિનિટ નેટ પર લેગ સ્પિન બોલિંગ કરી હતી. જેથી ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટમાં ચાર ફાસ્ટ બોલર સાથે ઉતરી શકે છે. જ્યારે ત્રણ ખેલાડી પાર્ટ ટાઇમ બોલરની ભૂમિકા ભજવશે.
સિડનીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ આવતીકાલથી શરૂ થશે. આ ટેસ્ટ ડે નાઇટ રમાશે. રોહિત શર્મા અને ઈશાંત શર્માની ગેરહાજરીમાં શરૂ થઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી પરેશાનીનું કારણ બની શકે છે. કેપ્ટન વિરાટ કોહલીની સામે પંત અને સાહામાંથી એકની વિકેટકિપર તરીકે પસંદગી કરવાનું મુશ્કેલ કામ છે.
સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ ( તમામ તસવીર સૌજન્યઃ BCCI ટ્વિટર)