હાર્દિકે ભાજપ સરકારના ક્યા મિનિસ્ટરને સંભળાવ્યું, અરે ઓ મંત્રી, ધમકી આપવાનું બંધ કરો, ત્રણ વર્ષમાં આવા ઘણાં આવી ગયા........
હાર્દિકે લખ્યું છે કે, અરે ઓ મંત્રી ધમકી દેવાનું બંધ કરો. તમારા જેવી ધમકીઓ છેલ્લા ત્રણ વર્ષમાં તમારી સરકારના ઘણા નેતા અને અધિકારીઓ આપી ચૂક્યા છે. જીવન-મરણ ઈશ્વરના હાથમાં છે. હાર્દિકે આ નિવેદન દ્વારા સાફ સંકેત આપી દીધો છે કે પોતે ભાજપ સરકાર સામે ઝૂકવાના મૂડમાં નથી જ.
આ પહેલાં ગુજરાત સરકાર વતી સૌરભ પટેલે મંગળવારે પત્રકાર પરિષદ કરીને હાર્દિક પટેલના ઉપવાસ અંગે પહેલી વાર નિવેદન આપ્યું હતું. સૌરભ પટેલે હાર્દિક પટેલને પારણાં કરી લેવા કહ્યું હતું. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, હાર્દિક પ્રેમથી માને તો ઠીક છે, નહીં તો રાજકીય રીતે સમજાવીશું.
હાર્દિક પટેલે તેના આક્રમક તેવરનો પરચો આપતાં આ નિવેદન મુદ્દે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. હાર્દિકે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપ સરકારના મંત્રી એમ કહે છે કે, હાર્દિક પ્રેમથી માને તો પ્રેમથી, નહીં માને તો રાજકીય રીતે સમજાવીશું.
ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 12મો દિવસ છે. હાર્દિકને મળેલા સમર્થનથી ભાજપ સરકાર દોડતી થઈ છે અને ગુજરાત સરકારે આ સમસ્યા ઉકેલવા મંગળવારે પાટીદાર સમાજની અગ્રણી 6 સંસ્થાના આગેવાનોને મંત્રણા માટે બોલાવ્યા હતા.