હાર્દિક પટેલે નાનપણની મિત્ર કિંજલ સાથે કર્યા લગ્ન, જુઓ આ રહી લગ્નની તસવીરો
લગ્નની આગલી રાત્રે હાર્દિક પટેલના ઘરે રાસ ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં હાર્દિક પટેલ સહિત પરિવારજનો રાસ ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા. હાર્દિકની સાથે સાથે તેના માતા-પિતા અને બહેને પણ ગરબા રમ્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
હિન્દુ વિધિ પ્રમાણે રિત રસમોનો દોર ચાલુ થયો હતો. હાર્દિકનું મંડપ બહાર સામૈયું કરવામાં આવ્યું હતું. લગ્ન મંડપમાં હાર્દિક અને કિંજલના લગ્નને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત આમંત્રિત મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
લગ્ન પ્રસંગ સ્થળેથી કિંજલના પિતાએ કહ્યું હતું કે, હાર્દિક કુમારની ઈચ્છા હતી કે લગ્ન ખૂબ જ સાદાઈ પૂર્વક કરવામાં આવે તે પ્રમાણે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને હાર્દિક જેવો જમાઈ મળે તે એક બાપ તરીકે દીકરી માટેની બધી જ અપેક્ષાઓ પૂરી થઈ ગઈ તેવું લાગી રહ્યું છે.
હાર્દિક અને કિંજલના લગ્નીની વિધિઓ સવારે 9-12 વાગ્યા સુધી ચાલી હતી. લગ્ન મંડપે પહોંચેલા હાર્દિકને કિંજલ દ્વારા હાર પહેરાવાયો હતો. તેમજ ગુજરાતી પરંપરા મુજબ કિંજલની માતા એટલે હાર્દિકની સાસુએ જમાઈને પોંખ્યા હતા અને નાક ખેંચવાની વિધિ પણ યોજાઈ હતી. ખૂબ જ સાદગીથી યોજાઈ રહેલા આ લગ્ન પ્રસંગમાં પરિવારજનો સિવાય અન્ય કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
સુરેન્દ્રનગર: પાસ નેતા હાર્દિક પટેલ અને તેની નાનપણની મિત્ર કિંજલ પરીખે આજે પ્રભૂતામાં પગલા પાડ્યા હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મૂળી તાલુકાના દિગસર ગામે વહેલી સવારથી જ હાર્દિકના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. વર અને કન્યા પક્ષના પરિવારજનો પરોઢીયે જ દિગસર ગામ પહોંચી ગયા હતા. મહત્વપૂર્ણ છે કે હાર્દિક પટેલના લગ્ન ખૂબ જ સાદાઈથી થયા હતાં. જેમાં નજીકના પરિવારજનોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતાં.