‘સવારે હાર્દિકને ચક્કર આવતાં નીચે પડી ગયો, કીડનીમાં થયું ઈંફેક્શન, પેશાબમાં રસી’, બીજી શું-શું છે તકલીફો? જાણો વિગત
ઉલ્લેખનીય છે કે બે દિવસના જળત્યાગ બાદ હાર્દિક પટેલે શનિવારે એસપી સ્વામીના હાથે જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. હાર્દિકનાં હેલ્થ બુલેટિનમાં તેની સ્થિતિ ખૂબ નાજૂક હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદઃ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે નવમો દિવસ છે. આજે સવારે સોલા સિવિલ હોસ્પિટલની ટીમ હાર્દિકના મેડિકલ ચેકઅપ માટે પહોંચી હતી. જેમાં હાર્દિકે હાલ પૂરતા બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ કરવાની ના પાડી સાંજે કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત રાજકારણીઓ પણ હાર્દિકને મળવા માટે આવી રહ્યા છે.
તેના વજનમાં 600 ગ્રામનો ઘટાડો નોંધાયો છે. એ વચ્ચે ડોક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. તેના અગાઉના યુરિન ટેસ્ટ નોર્મલ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. તો હાર્દિક હોસ્પિટલમાં દાખલ ન થવા માટે મક્કમ છે.
સોલા સિવિલ હોસ્પિટલના ડો. પ્રવિણ સોલંકી (MD મેડિસિન) હાર્દિક પટેલના મેડિકલ ચેકઅપ માટે પહોંચ્યા હતા. હાર્દિકે ઉબકા આવવા અને ચક્કર આવવાની ફરિયાદ કરી છે અને હાલ પૂરતા બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ કરવાની ના પાડી સાંજે કરવા કહ્યું હતું. આ ઉપરાંત હાર્દિકને સવારે ચક્કર આવતાં તે નીચે પડી ગયો હતો તેવું જાણવા મળ્યું હતું.
ઉપવાસના કારણે તેની કિડનીમાં ઈન્ફેક્શન વધી રહ્યું છે અને પેશાબમાં રસીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. એસીટોનની માત્રા દિવસેને દિવસે વધી રહી છે. ઈલેક્ટ્રોલાઈટ ઈમબેલેન્સ જોવા મળે છે.
હાર્દિક પટેલના ઉપવાસને લઈને સમગ્ર ગુજરાત સહિત દેશમાંથી પણ લોકો આવી રહ્યા છે. જ્યારે હાર્દિકના સમર્થનમાં આજે દેશભરમાંથી લોકો આવશે એવો હાર્દિકના સાથીઓ આશાવાદ રાખી રહ્યા છે.