નીતિન પટેલ વિદેશ ગયા ને ઉમિયા માતા સંસ્થાને હાર્દિક પટેલને ટેકો જાહેર કર્યો, બંને વચ્ચે કંઈ સંબંધ છે?
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોનાં દેવાં માફી સહિતના પ્રશ્ને નેતા આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે ત્યારે તેના સમર્થનમાં પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓ ખુલ્લેઆમ બહાર આવી છે.
હાર્દિક પટેલના ઉપવાસના દસમાં દિવસે ધાર્મિક સંસ્થાઓ હાર્દિકના સમર્થનમાં બહાર આવી તેના કારણે પાટીદારો ખુશ છે પણ રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ખાસ કરીને શ્રી ઉમિયા માતાજી સંસ્થાને આક્રમક વલણ અપનાવ્યું તેના કારણે ભાજપના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા છે.
નીતિન પટેલ પોતે કડવા પાટીદાર છે, મહેસાણા જિલ્લાના જ છે અને ઉંઝાના શ્રી ઉમિયા માતાજી સંસ્થાન પર તેમનો પ્રભાવ છે. આ સંજોગોમાં નીતિન પટેલ અહીં હોત તો આ પ્રકારનો ઠરાવ પસાર ના કરવા દીધો હોત તેવી પણ ચર્ચા ચાલી રહી છે.
યોગાનુયોગ ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિદેશ યાત્રાએ ગયા છે ત્યારે જ શ્રી ઉમિયા માતાજી સંસ્થાને હાર્દિકની તરફેણમાં ખુલ્લેઆમ આવવાની પસંદ કર્યું છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના આ વલણને નીતિન પટેલની ગેરહાજરી સાથે કોઈ સંબંધ છે કે કેમ તેવી ચર્ચા ચાલી રહી છે.