વિકાસ સહાયની નિવૃતિ બાદ એક તરફ જ્યાં 1992ની બેચના આઈપીએસ ડૉ. કે.એલ.એન.રાવને પોલીસવડાનો ચાર્જ સોંપાયો.. તો બીજી તરફ આજ વિભાગને લગતા મોટા સમાચાર દિલ્લીથી મળ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના એડીશનલ ડાયરેકટર જનરલ તરીકે કેન્દ્રમાં ડેપ્યુટેશનમાં ગયેલા શમશેરસિંઘને સમય પહેલા કેન્દ્રએ મૂળ કેડરમાં પરત કરવાનો ઓર્ડર કર્યો છે. શમશેરસિંઘ 1991ની બેચના આઈપીએસ અધિકારી છે. જ્યારે ડૉ. રાવ 1992ની બેચના આઈપીએસ અધિકારી છે ત્યારે શમશેરસિંઘના આ ઓર્ડરથી અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. કેન્દ્રના ઓર્ડરમાં ડેપ્યુટેશનમાંથી મૂળ કેડરમાં પરત કરવાનો નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવા આદેશ કરાયો છે. ગૃહ મંત્રાલયના ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, શમશેરસિંઘને તેમના મૂળ કેડરમાં પરત મોકલવામાં આવશે. અધિકારીને રિલીવ કરવાની તારીખની મંત્રાલયને જાણ કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ડૉ. શમશેરસિંઘને ગયા વર્ષે જાન્યુઆરી 2025માં ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોના ડીજીપી તરીકેની જવાબદારીમાંથી કેન્દ્રીય ડેપ્યુટેશન પર BSFમાં એડીશનલ ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. તેમની મુદત માર્ચ 2026માં નિવૃતિ સુધીની હતી. જોકે ક્યાં કારણોસર મૂળ કેડરમાં પરત મોકલાયા તે અંગે હજુ સત્તાવાર કોઈ કારણ અપાયું નથી.