છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં દીપડાએ વન વિભાગના હંગામી કર્મચારી પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આખરે વનવિભાગે આ માનવભક્ષી દીપડાને પાંજરે પૂર્યો છે. પાવી જેતપુર તાલુકાના આંબાખૂંટ બીટમાં વનવિભાગના આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ બારીયા વન સંરક્ષક તરીકે ફરજ પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે પાછળથી દીપડાએ હુમલો કરી દીધો . દીપડાએ હુમલો કર્યા બાદ વન સંરક્ષકને પકડીને બે કિમી સુધી ઢસડી જઈ ફાડી ખાધા હતાં. વન સંરક્ષકને જ દીપડાએ ફાડી ખાતા આખરે વન વિભાગ સફાળુ જાગ્યું હતું. વન વિભાગે આસપાસના વિસ્તારમાં ત્રણ પાંજરા ગોઠવ્યા હતાં. આખરે રાત્રીના એક વાગ્યે આ માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો હતો. દીપડો પાંજરે પૂરાતા વનવિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે.