રાજકોટના ધરમનગર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિસ્તારમાં ગંદુ અને બેક્ટેરિયાયુક્ત પાણીનું વિતરણ થતું હોવાનો આક્ષેપ કરીને મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર, પીવાના પાણીમાં ગંદકી હોવાને કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે અને અનેક લોકો બીમાર પડી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ મુદ્દે અનેક વખત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી.વિરોધ દરમિયાન મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે ચૂંટણી સમયે મત માગવા માટે નેતાઓ વિસ્તારમાં આવ્યા હતા, પરંતુ હવે દૂષિત પાણીની સમસ્યાને કારણે લોકોને પીવાનું પાણી ખરીદીને વાપરવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.