સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે સુરત શહેર સહિત સમગ્ર જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે. મુશળધાર વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો બેટમાં ફેરવાઈ ગયા છે. કડોદરાથી લઈને ભેસ્તાન રોડ સુધી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદ સાથે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે શહેરમાં વિઝિબિલિટી પણ ખૂબ ઘટી ગઈ છે. ખાડીઓની સપાટીમાં સતત વધારો થતાં પૂરની સંભાવના સર્જાઈ છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરતમાં બે દિવસ માટે કારખાનાઓ બંધ રાખવાનો પણ નિર્ણય લેવાયો છે.