મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI ના મુખ્ય ચીફ સિલેક્ટરની રેસ શરૂ થઈ ગઈ છે. જાણકારી મુજબ પૂર્વ ભારતીય ક્રિકેટર અજીત અગરકર ટીમ ઈન્ડિયાના મુખ્ય ચીફ સિલેક્ટર બની શકે છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં તેઓ રમી ચૂકેલા અગરકરે ચીફ સિલેક્ટરના પદ માટે આવેદન કર્યું છે.

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકર બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર બની શકે છે. તેઓ આ પદની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. મુંબઈ ક્રિકેટ એશોસિએશનના પૂર્વ મુખ્ય પસંદગીકારનો કાર્યભાર સંભાળી ચૂકેલા અગરકરને આ કામનો ખાસ અનુભવ છે અને આજ કારણે તેમની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે.

બીસીસીઆઈએ 24 જાન્યુઆરી સુધી કોચ પદ માટે આવેદનની અંતિમ તારીખ નક્કી કરી હતી. 42 વર્ષના પૂર્વ ફાસ્ટ બોલરે આ પદ માટે આવેદન કર્યું છે. ભારત તરફથી 26 ટેસ્ટ અને 191 વનડે રમનાર અગરકરે 3 ટી20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી છે. વનડેમાં અજીત અગરકરના નામે 288 વિકેટ છે. તેઓ ભારત તરફથી અનિલ કુંબલે અને જવગલ શ્રીનાથ બાદ ત્રીજા સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય છે.