નવી દિલ્હીઃવન-ડે વર્લ્ડકપની ટીમમાં પસંદ નહી કરવાના કારણે નારાજ મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રાજીનામું આપી દીધુ હતું. જોકે, હવે રાયડુ ફરી વાર ટીમ ઇન્ડિયા તરફથી રમતો જોવા મળી શકે છે કારણ કે તેણે નિવૃતિના નિર્ણયને પાછો ખેંચવાનું મન બનાવી લીધું છે. ઇન્ટરનેશનલ ટીમમાં વાપસીની તૈયારી તે આઇપીએલની 2020ની સીઝનથી કરશે. એક ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં રાયડુએ કહ્યું કે, હું આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમીશ અને વાઇટ બોલ ક્રિકેટમાં વાપસી કરીશ. સર્વેશ્રેષ્ઠ ફિટનેસ મેળવવી મારી સૌથી મોટી પ્રાથમિકતા છે. હાલમાં રાયડુ તમિલનાડુ ક્રિકેટ અસોસિયેશન વન-ડે લીગમાં  ગ્રાન્ડસ્લેમ ટીમ તરફથી રમી રહ્યો છે.

પોતાના નિવૃતિના નિર્ણય પર રાયડુએ કહ્યું કે, હું એવું નહી કહું કે આ એક ભાવનાત્મક નિર્ણય હતો કારણ કે મે છેલ્લા ચાર વર્ષોમાં વર્લ્ડકપ માટે ખૂબ મહેનત કરી હતી. એવા સમયમાં તમે નિરાશ થવા મજબૂર થાવ છો. મને નકારવામાં આવ્યો એટલે મેં નિર્ણય લીધો નથી. જો તમે કોઇ માટે મહેનત કરતા હોવ અને તે તમને ના મળે તો તમે આગળ વધવાનું વિચારો છો. ક્રિકેટમાં વાપસી પર તેમણે કહ્યું કે, આ રમતનો પ્રેમ જ છે કે હું વાપસી અંગે વિચારી રહ્યો છું.

વર્લ્ડકપ માટે મોકલવામાં આવેલી 15 સભ્યોની ટીમમાં રાયડુને પસંદ ના કરતા ખૂબ ચર્ચા થઇ હતી. બાદમાં ઇજાના કારણે ધવન અને વિજય શંકર વર્લ્ડકપમાંથી બહાર થતા રાયડુના બદલે ઋષભ પંત અને મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતું. ત્યારબાદ રાયડુએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી હતી. નોંધનીય છે કે રાયડુએ 55 વન-ડે રમી છે જેમાં તેણે 1694 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને 10 અડધી સદીનો સમાવેશ થાય છે.