ચેન્નાઈમાં રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ ભારતીય હોકી ટીમે જીતી લીધું છે. રોમાંચક ફાઈનલમાં ભારત એક તબક્કે 3-1થી પાછળ હતું, ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ત્રીજા ક્વાર્ટરમાં એક મિનિટમાં બે ગોલ કરીને શાનદાર વાપસી કરી હતી. ચોથા ક્વાર્ટરમાં ચોથો ગોલ કરીને ભારતીય ટીમે મેચ 4-3થી જીતી લીધી અને ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ કબજે કર્યું. હવે ભારત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી સૌથી વધુ વખત જીતનાર દેશ બની ગયો છે. પાકિસ્તાન ત્રણ વખત આ ખિતાબ જીતી ચૂક્યું છે.






આ પહેલા ભારતે 2011, 2016 અને 2018માં આ ટ્રોફી જીતી હતી. ભારત અને પાકિસ્તાન 2018 માં સંયુક્ત વિજેતા હતા, કારણ કે ફાઈનલ રદ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા પાંચ વર્ષ બાદ ફરી એકવાર ચેમ્પિયન બની છે. આ સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ અજેય રહી હતી. ભારતીય હોકી ટીમે હવે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભાગ લેવાની છે. આવી સ્થિતિમાં આ જીતે ભારતીય ખેલાડીઓનું મનોબળ વધાર્યું હશે.


ટીમ ઈન્ડિયાને આઠમી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો. તેના પર જુગરાજ સિંહે ડ્રેગ-ફ્લિક પર ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હાફ ટાઇમમાં મલેશિયા 3-1થી આગળ હતું. ભારતે ત્રીજા ક્વાર્ટરમાં જબરદસ્ત વાપસી કરી હતી. ભારતીય ટીમે એક મિનિટમાં જ બે ગોલ કરીને સ્કોર 3-3 કરી નાખ્યો હતો.


ભારતીય ટીમે ચોથા ક્વાર્ટરની 56મી મિનિટે પોતાનો ચોથો ગોલ કર્યો હતો. આકાશદીપ સિંહે વળતો હુમલો કર્યો અને શાનદાર ફિલ્ડ ગોલ કર્યો. આ સાથે જ ટીમ ઈન્ડિયા 4-3થી આગળ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા બીજા ક્વાર્ટરમાં 3-1થી પાછળ હતી, પરંતુ ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં મજબૂત વાપસી કરીને 4-3ની સરસાઈ મેળવી લીધી હતી.


ભારત અને મલેશિયા વચ્ચેની સ્પર્ધાની વાત કરીએ તો બંને ટીમો 34 વખત આમને-સામને આવી ચુકી છે. ભારતે 23 અને મલેશિયાએ 7 મેચ જીતી છે. ચાર મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. મલેશિયા સામે ભારતની જીતની ટકાવારી 67.65 છે.



ભારત: કૃષ્ણ બહાદુર પાઠક, વરુણ કુમાર, જરમનપ્રીત સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, ગુરજંત સિંહ, મનદીપ સિંહ, હરમનપ્રીત સિંહ, સુમિત, શમશેર સિંહ, આકાશદીપ સિંહ.


મલેશિયા: હફીઝુદ્દીન ઓથમાન, મુજાહિર અબ્દુ, મરહાન જલીલ, અશરન હમસામી, ફૈઝલ સારી, રઝી રહીમ, ફૈઝ જલી, અઝુઆન હસન, અબુ કમાલ અઝરાઈ, નઝમી જાજલાન, અમીરુલ અઝહર.