Asian Games 2023: એચએસ પ્રણયે બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રણય પુરૂષ સિંગલ્સની સેમિફાઇનલ મેચમાં ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન ચીનના લી શિફેંગ સામે 16-21, 9-21થી હારી ગયો હતો. ભારતીય બેડમિન્ટન ખેલાડી પ્રણયને મેન્સ સિંગલ્સની સેમિફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ગોલ્ડ મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. પરંતુ પ્રણયે ઈતિહાસ રચ્યો હતો. ભારતે 41 વર્ષ બાદ મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
એચએસ પ્રણયે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે 41 વર્ષ બાદ બેડમિન્ટન સિંગલ્સમાં મેડલ જીતનાર ભારતીય બન્યો છે. અગાઉ આ સિદ્ધિ સૈયદ મોદીએ 1982 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને હાંસલ કરી હતી.
તીરંદાજીમાં પુરૂષોની રિકર્વ ટીમે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતું. તુષાર, અતનુ અને ધીરજે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું અને મંગોલિયાને હરાવ્યું હતું.
એશિયન ગેમ્સ 2023માં ભારતીય કુસ્તી માટે શુક્રવારનો દિવસ નિરાશાજનક રહ્યો હતો. બજરંગ પુનિયા સહિત ચાર કુસ્તીબાજોને હારનો સામનો કરવો પડ્યો હતો. બજરંગની હાર સાથે ભારતનું ગોલ્ડ મેડલનું સપનું ચકનાચૂર થઈ ગયું. મહત્વની વાત એ છે કે સેમિફાઇનલમાં ચાર રેસલર્સ હારી ગયા છે. જ્યારે રાઉન્ડ 1માં એક કુસ્તીબાજને હારનો સામનો કરવો પડ્યો હતો. બજરંગની સાથે અમન, સોનમ અને કિરણ સેમિફાઇનલમાં હારી ગયા હતા. જ્યારે રાધિકાને બહાર કરી દેવામાં આવી હતી.
મહિલા કબડ્ડીની સેમીફાઈનલમાં ચીની તાઈપેઈએ ઈરાનને 35-24થી હરાવ્યું છે. આ જીત સાથે ચીની તાઈપે ફાઇનલમાં એન્ટ્રી મારી છે. હવે ફાઇનલમાં તેનો મુકાબલો ભારત સામે થશે. શનિવારે મહિલા કબડ્ડીની ફાઇનલ મેચ રમાશે. ભારતની મહિલા તીરંદાજી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલા રિકર્વ ટીમ ઈવેન્ટમાં ભારતે વિયેતનામને 6-2થી હરાવ્યું હતું. અંકિતા, ભજન અને સિમરનજીતે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2023ની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ સેમિફાઈનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 96 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 9.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમ ઈન્ડિયા તરફથી તિલક વર્માએ અણનમ 55 રન કર્યા હતા. ઋતુરાજ ગાયકવાડે અણનમ 40 રન ફટકાર્યા હતા. હવે ભારતીય ટીમ શનિવારે ફાઇનલ મેચ રમશે.