Asian Games 2023: એશિયન ગેમ્સમાં 11મા દિવસે ભારતને એથ્લેટિક્સમાં મેડલ મળ્યો છે. મંજૂ રાની અને રામ બાબુની જોડીએ મિક્સ્ડ 35 કિમીની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ભારતીય જોડીએ 35 કિલોમીટર વૉકિંગ રેસ ઈવેન્ટમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2023 એશિયન ગેમ્સમાં ભારતનો આ 70મો મેડલ છે. મંજુ રાની અને રામ બાબુએ 35 કિમી રેસ વોક મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો છે.






આ સાથે ભારતે એશિયન ગેમ્સની છેલ્લી સીઝન (એશિયન ગેમ્સના ઈતિહાસમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ) મેડલની બરાબરી કરી લીધી છે. 2018માં જાકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે કુલ 70 મેડલ જીત્યા હતા. જાકાર્તામાં 16 ગોલ્ડ, 23 સિલ્વર, 31 બ્રોન્ઝ સહિત કુલ 70 મેડલ જીત્યા હતા.


નીરજ ચોપરા અને ભારતીય હોકી ટીમ પર નજર


ભારતીય દિગ્ગજ નીરજ ચોપરા બુધવારે મેદાનમાં ઉતરશે.  નીરજ ચોપરાએ એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે નીરજ ચોપરા પોતાના ટાઈટલનો બચાવ કરશે. આ સાથે જ ભારતીય પુરૂષ હૉકી ટીમ સેમિફાઇનલમા રમશે. ભારતીય પુરૂષ હૉકી ટીમ સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાના પડકારનો સામનો કરશે.


અગાઉ ગઇકાલે ભારતીય બોક્સર નરેન્દ્રએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નરેન્દ્રને 92 કિગ્રા ઈવેન્ટની સેમિફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સેમિફાઇનલમાં હારને કારણે નરેન્દ્રને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતની સ્ટાર મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેને 75 કિગ્રા વજન વર્ગમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. લવલિનાએ મેડલ પાક્કો કર્યો છે. તેણે પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા પણ હાંસલ કર્યો છે.


ભારતીય એથ્લેટ પારુલ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો, પારુલ ચૌધરીએ 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે 400 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની સ્ટાર એથ્લેટ વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  ભારતીય મહિલા ટીમે કબડ્ડીમાં શાનદાર જીત મેળવી હતી. ભારતીય ટીમે કોરિયાને 56-23થી હરાવ્યું હતું. કોરિયા ભારત સાથે સ્પર્ધા કરવામાં ખરાબ રીતે નિષ્ફળ ગયું હતું.