સિડની: ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્ને ઓસ્ટ્રેલિયાનાં જંગલોમાં લાગેલી આગના પીડિતોની મદદ માટે નાણાં એકઠાં કરવા પોતાની ‘બેગી ગ્રીન કેપ’ની હરાજી કરી હતી. વોર્નની બેગી કેપ 5,20,500 ડોલરમાં વેચાઈ હતી. આ કેપે હરાજીના મામલે ભારતના મહાન વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીના વિશ્વકપવાળા બેટ અને સર ડોન બ્રેડમેનની કેપની હરાજીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

બેગી ગ્રીન કેપ કોઈ પણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માટે બહુ જ સન્માનજનક છે. જ્યારે આ કેપની હરાજી શરૂ થઈ ત્યારે પાંચ લાખથી વધુની બોલી લગાવવામાં આવી હતી. ધોની દ્વારા 2011ના વિશ્વકપની ફાઈનલમાં ઉપયોગમાં લેવાયેલું બેટ 1,00,000 પાઉન્ડમાં વેચાયું હતું જ્યારે સર ડોન બ્રેડમેનની કેપ વર્ષ 2003માં 4.25 લાખ ડોલરમાં વેચાયું હતું પરંતુ વોર્નની બેગી ગ્રીન કેપ આ બધાંને પાછળ મુકી દઈ ક્રિકેટ ઈતિહાસની સૌથી મોંઘી વસ્તુ બની ગઈ છે.

બેગી ગ્રીન કેપની હરાજી બાદ વોર્ને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાનાં જંગલોમાં લાગેલી ભયાનક આગથી બધાંને વિચલિત કરી દીધા છે. આ વિનાશકારી આગની અસર એટલા બધાં લોકો પર થઈ છે જે અકલ્પનીય છે. આપણે સતત મદદ કરવા ઉપાયો શોધતા રહીશું.

શેન વોર્ને ટેસ્ટ કારકિર્દીમાં રમેલી તમામ 145 મેચ દરમિયાન આ કેપ પહેરી હતી જે દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયા તરફથી 708 વિકેટ ઝડપી હતી. આ કેપ વોર્ન દ્વારા ઓટોગ્રાફ કરેલા પ્રમાણપત્ર સાથે આવશે. ઓનલાઇન હરાજીથી મેળવેલી બધી જ રકમ આગપીડિતો પીડિતોને દાન કરવામાં આવશે.