ભારતીય બેડમિન્ટન ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. આયુષ શેટ્ટીએ કેનેડાના બ્રાયન યાંગને હરાવીને યુએસ ઓપન સુપર 300 ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે. આયુષ શેટ્ટીએ પોતાનો પહેલો BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યો છે. ઉપરાંત આ વર્ષે સિનિયર સ્તરે ભારતીય ખેલાડીનો આ પહેલો BWF ટાઇટલ હતો. એટલે કે, આયુષે આ વર્ષે ભારતીય બેડમિન્ટનમાં ટાઇટલ દુકાળનો અંત લાવ્યો છે.
વિશ્વ રેન્કિંગમાં 34મા ક્રમે રહેલા આયુષ શેટ્ટીએ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઉચ્ચ ક્રમાંકિત કેનેડિયન ખેલાડીને માત્ર 47 મિનિટમાં 21-18, 21-13થી હરાવ્યો હતો. નોંધનીય છે કે આયુષ શેટ્ટીએ સેમિફાઇનલમાં ટોચના ક્રમાંકિત અને વિશ્વ નંબર-6 ચાઉ ટિએન ચેનને હરાવીને સનસનાટી મચાવી હતી. આયુષે સેમિફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈ ખેલાડીને 21-23, 21-15, 21-14થી હરાવ્યો હતો.
ભારતની તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં રનર-અપ રહી હતી. 16 વર્ષની તન્વીની ફાઇનલમાં અમેરિકાની બેઇવેન ઝાંગ સામે 11-21, 21-16, 10-21થી પરાજય થયો હતો. ટોચની ક્રમાંકિત ઝાંગે 46 મિનિટમાં મેચ જીતી લીધી હતી. બિનક્રમાંકિત તન્વી પોતાની પહેલી વર્લ્ડ ટૂર ફાઇનલ રમી રહી હતી.
વિશ્વની 66મી ક્રમાંકિત તન્વી શર્માએ સેમિફાઇનલમાં યુક્રેનની સાતમી ક્રમાંકિત પોલિના બુહારોવાને 21-14, 21-16થી હરાવી હતી. આ સાથે તન્વી BWF વર્લ્ડ ટૂર ઇવેન્ટની ફાઇનલમાં પહોંચનારી સૌથી નાની ઉંમરની ભારતીય ખેલાડી બની હતી. જો તન્વીએ ટાઇટલ જીત્યું હોત તો તે BWF વર્લ્ડ ટૂર ઇવેન્ટ જીતનારી સૌથી નાની ઉંમરની ભારતીય ખેલાડી બની હોત.
16 વર્ષની તન્વી શર્માની તુલના બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ સાથે કરવામાં આવી રહી છે. સિંધુની જેમ તન્વી નેટ્સ પર શક્તિશાળી સ્મેશ મારવામાં માહેર છે અને પ્રતિસ્પર્ધી પર પ્રભુત્વ મેળવવા માટે આક્રમક રમત યોજનાઓનો ઉપયોગ કરે છે. પીવી સિંધુનું પ્રદર્શન સમય જતાં ઘટવા લાગ્યું હોવાથી તન્વી એક નવી આશા તરીકે ઉભરી આવી છે. ભારતને પુરુષોની સિંગલ્સમાં આયુષ શેટ્ટી પાસેથી ઘણી અપેક્ષાઓ છે.