બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમને 10 વિકેટથી હરાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. તમીમ ઈકબાલની કેપ્ટનશીપમાં બાંગ્લાદેશે ત્રીજી વનડેમાં આયરલેન્ડને 10 વિકેટે હરાવીને આ શાનદાર સિદ્ધિ મેળવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા આયરલેન્ડને 28.1 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
આ પછી બાંગ્લાદેશની ટીમે 13.1 ઓવરમાં 102 રન બનાવીને 10 વિકેટે સરળતાથી મેચમા જીત મેળવી લીધી. આ વનડે સીરિઝમાં બાંગ્લાદેશે આયરલેન્ડને 2-0થી હરાવીને સીરિઝ પર કબજો કર્યો હતો. બાંગ્લાદેશની ટીમે ઘરઆંગણે છેલ્લી 16 દ્વિપક્ષીય શ્રેણીમાંથી 14 જીતી છે જ્યારે તેને માત્ર 2માં હાર મળી છે. સીરિઝમાં બીજી વન-ડેમાં વરસાદના કારણે પરિણામ આવ્યું નહોતું.
આ મેચમાં આયરલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કેપ્ટન એન્ડ્ર્યુ બેલબિર્નીનો આ નિર્ણય ટીમના પક્ષમાં ન ગયો ન હતો અને આખી ટીમ 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. બાંગ્લાદેશના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. આયરલેન્ડ તરફથી ટકરે 28 રન બનાવ્યા હતા જ્યારે કર્ટિસ કેમ્પરે 36 રન બનાવ્યા હતા જ્યારે ટીમના અન્ય નવ બેટ્સમેનો ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 8.1 ઓવરમાં 32 રન આપીને 5 વિકેટ ઝડપી હતી અને તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો, જ્યારે તસ્કીન અહેમદે 3 અને ઇબાદત હુસૈને 2 વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશની ટીમને જીતવા માટે ખૂબ જ આસાન ટાર્ગેટ મળ્યો હતો અને ટીમના ઓપનર બેટ્સમેન તમીમ ઈકબાલ અને લિટન દાસે પ્રથમ વિકેટ માટે અણનમ સદીની ભાગીદારી કરીને આ ટાર્ગેટ પૂરો કર્યો હતો. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે અણનમ 102 રનની ભાગીદારી નોંધાઈ હતી. તમીમ ઈકબાલે 41 બોલમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી અણનમ 41 રન બનાવ્યા હતા જ્યારે લિટન દાસે 38 બોલમાં 10 ચોગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા.