FIFA World Cup 2022: કતારમાં યોજાઇ રહેલા ફિફા વર્લ્ડકપ 2022માં ગુરુવારે ગ્રુપ-એફમાં બે મહત્વપૂર્ણ મેચ રમાઇ હતી. ક્રોએશિયા અને બેલ્જિયમ વચ્ચે મેચ રમાઈ હતી. જ્યારે બીજી મેચ મોરોક્કો અને કેનેડા વચ્ચે થઈ હતી. બંને મેચ બાદ આ ગ્રુપની બે ટીમો ક્રોએશિયા અને મોરોક્કોએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ક્રોએશિયા અને બેલ્જિયમ વચ્ચેની મેચ ડ્રો
ક્રોએશિયા અને બેલ્જિયમ વચ્ચેની મેચ કોઈપણ ગોલ વિના 0-0થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ સાથે જ વિશ્વની નંબર-2 ટીમ બેલ્જિયમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે ક્રોએશિયાએ નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.
બેલ્જિયમ સામેની મેચ ડ્રો બાદ ક્રોએશિયાની ટીમ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ રીતે ક્રોએશિયાએ વિશ્વની નંબર-2 ટીમ બેલ્જિયમને બહારનો રસ્તો બતાવ્યો. આ સિવાય ફિફા વર્લ્ડ કપ 2018માં બેલ્જિયમ ત્રીજા સ્થાને રહ્યું હતું. બેલ્જિયમ સામેની મેચની 15મી મિનિટે ક્રોએશિયાને પેનલ્ટી મળી હતી. બેલ્જિયમના ખેલાડીની ભૂલ પર મેચ રેફરીએ ક્રોએશિયાની ટીમને પેનલ્ટી આપી હતી. ક્રોએશિયાનો લુકા મોડ્રિચ પેનલ્ટી માટે તૈયાર હતો, જ્યારે VAR એ રિપ્લે જોઈને રેફરીના નિર્ણયને પલટી નાખ્યો હતો.
આ રીતે ક્રોએશિયાની ટીમ પ્રથમ હાફમાં લીડ મેળવવાનું ચૂકી ગઈ હતી. જો પેનલ્ટી હોત તો ગોલ થવાની પૂરી તકો હતી. મેચનો પ્રથમ હાફ ગોલ રહિત ડ્રોમાં સમાપ્ત થયો હતો.
બેલ્જિયમને જીતની જરૂર હતી
બેલ્જિયમને આગામી રાઉન્ડમાં પહોંચવા માટે કોઈપણ ભોગે જીતની જરૂર હતી, પરંતુ તેમ થઈ શક્યું નહીં. બેલ્જિયમની ટીમ ફિફા વર્લ્ડ કપ 2018ની સેમિફાઇનલમાં પહોંચી હતી, પરંતુ સેમિફાઇનલ મેચમાં તેને ફ્રાન્સથી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ પછી ત્રીજા સ્થાનની મેચમાં બેલ્જિયમે ઈંગ્લેન્ડને 2-0થી હરાવ્યું હતું.
મોરોક્કો બીજા સ્થાને ક્વોલિફાય થયું
કેનેડા સામે રમાયેલી રોમાંચક મેચમાં મોરોક્કોનો 2-1થી વિજય થયો હતો. આ જીત સાથે મોરક્કોની ટીમે 7 પોઈન્ટ સાથે પોતાના ગ્રુપ-એફમાં ટોચ પર રહીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
મોરોક્કો અને કેનેડા વચ્ચે રમાયેલી આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચના પહેલા હાફમાં જ ત્રણ ગોલ થયા હતા. આમાં મોરોક્કો 2-1થી આગળ રહી હતી.