નવી દિલ્હીઃ ભારતીય ખેલાડી યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તાજેતરમાં ભારતમાંથી અંબાતી રાયડૂ અને વેણુગોપાલ રાવે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દીધું છે. હવે ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ ગ્લોબલ ટી20 કેનેડા લીગ પૂરી થયા બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તી લઈ લેશે.


મેક્કુલમે ટ્વિટર પર લખ્યું કે હું આ જાહેરાત કરતા સંતોષ અને ગર્વની લાગણી અનુભવી રહ્યો છું કે કેનેડા ટી-20 લીગ પછી હું ક્રિકેટને કોઈ પણ ફોર્મેટમાં નહીં રમું. જોકે, મેક્કુલમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાની 101 ટેસ્ટ મેચ પછી વર્ષ 2016માં જ સંન્યાસ લઈ લીધો હતો. જે બાદમાં તે અલગ અલગ દેશમાં આયોજીત થતી ટી 20 મેચમાં રમતો રહ્યો હતો. 37 વર્ષના મેક્કુલમે પોતાની કેપ્ટનશીપ હેઠળ વર્ષ 2015માં ન્યૂઝીલેન્ડની ટીમને વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચાડી હતી. જોકે, વર્લ્ડ કપનો ખિતાબ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો.

બ્રેન્ડન મેક્કુલમ ટી 20 ક્રિકેટનો બીજો સૌથી સફળ બેટ્સમેન છે. તેની આગળ વેસ્ટ ઇન્ડિઝનો ક્રિસ ગેલ છે, જે આ ફોર્મેટમાં તે 10 હજાર રન બનાવી ચુક્યો છે. મેક્કુલમના નામ 6453 ટેસ્ટ રન, 6083 વન ડે રન અને 2140 ટી 20 રન છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે 107 છગ્ગા લગાવવાનો રેકોર્ડ પણ તેના નામે છે. ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે. મેક્કલુમે 2016માં પોતાની અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 54 બોલમાં સદી ફટકારી હતી.