ચાલુ મેચમાં મેદાન પર કાર ઘુસી આવી, ગંભીર-ઈશાંત જોતા જ રહી ગયા
વાયુસેનાના મેદાનમાં કારોને લઈ જવાની મંજૂરી તપાસ બાદજ આપવામાં આવે છે. પરંતુ ગેટ પર સુરક્ષાકર્મી તહેનાત ન હોવાના કારણે આ ઘટના બની હતી. આ મેચમાં ગૌતમ ગંભીર, ઈશાંત શર્મા, સુરેશ રૈના જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડી રમી રહ્યા હતા.
નવી દિલ્લી: દિલ્લીમાં પાલમ સ્થિત એરફોર્સના મેદાનમાં શુક્રવારે રણજી મેચ દરમિયાન અચાનક એક કાર મેદામાં ઘુસી આવી હતી. ખુબજ સુરક્ષિત માનવામાં આવતા આ મેદાનમાં મેચ દરમિયાન પીચ સુધી કાર ઘુસી આવતા ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા. કારને બે વખત પીચ પરથી પણ ફેરવી હતી. બાદમાં સુરક્ષા કર્મીઓએ કાર ચાલકની ધરપકડ કરી દિલ્લી પોલીસે સોંપી દીધો હતો.
શુક્રવારે રણજી મેચ દરમિયાન દિવસની રમત પૂર્ણ થવાના 20 મિનિટ પહેલા સાંજે લગભગ 4.40 વાગ્યે અચાનક મેદાન પર કાર ઘુસી ગઈ હતી. તે સમયે ઉત્તર પ્રદેશની ટીમ બીજા દાવમાં બેટિંગ કરી રહી હતી. કાર ચાલકની ઓળખ ગિરીશ શર્મા તરીકે થઈ છે.